અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જીથુડી ગામે ખોડિયાર માતાજીના મંદિર ખાતે ગણપતિ બાપાના વિસર્જન માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત પ્રતાપગીરી બાપુ દ્વારા આયોજિત સત્યનારાયણ કથાના કાર્યક્રમના સમાપન બાદ આ શોભાયાત્રા નીકળી હતી. ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદ સાથે વાજતે ગાજતે, ઢોલ-નગારા સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યુવાનો અને મહિલાઓનો ઉત્સાહ ચરમસીમાએ હતો અને આ નાદથી સમગ્ર જીથુડી ગામ ગુંજી ઉઠ્‌યું હતું. શોભાયાત્રા બાદ, ગણપતિ બાપાની મૂર્તિનું ચોખ્ખા જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઝરમર વરસાદ પણ વરસી રહ્યો હતો, જેના કારણે ભક્તોએ ગણપતિ બાપાને વિદાય આપતા દિવ્ય અનુભવ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આનંદના વાતાવરણમાં સંપન્ન થયો હતો.