મહેસાણાઃ કહેવાય છે કે કાયદાનો રક્ષક વકીલ હોય છે, ન્યાય મેળવવાની બાબતમાં સામાન્ય માણસ તેના પર સૌથી વધુ વિશ્વાસ કરતો હોય છે. પરંતુ જા કાળા કોટ પાછળ કોઈ ગુનેગાર છુપાયેલો હોય તો? મહેસાણાના કડીમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વકીલાતની ડિગ્રી વગર જ એક દંપતીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલની દુકાન ખોલી નાખી હતી. એટલું જ નહીં, ન્યાય માંગવા આવતા નિર્દોષ લોકોને આ ‘બંટી અને બબલી’ની જાડીએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા ખંખેરી લીધા.
મહેસાણા જિલ્લાના કડીના નાની કડી વિસ્તારમાં રહેતા રામસંગજી ઠાકોર નામના વેપારીને એક વ્યક્તિ પાસેથી ઉછીના આપેલા પૈસા પરત લેવાના હતા. કાયદાકીય રીતે પૈસા પાછા મળે તે માટે તેઓ એક સારા વકીલની શોધમાં હતા. દરમિયાન તેમની નજર કડી જકાતનાકા પાસે આવેલા નર્મદા કોમ્પ્લેક્સમાં એક ઓફિસ પર પડી. ઓફિસના બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું હતું – ‘એ.આર. રાવલ, એડવોકેટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ’. બોર્ડ પર દિલ્હી, મુંબઈ સુધી શાખાઓ હોવાના દાવા પણ હતા. આ જાઈને રામસંગજી ભરોસામાં આવી ગયા અને પોતાની પત્ની સાથે આ ઓફિસમાં પહોંચ્યા. જ્યાં કાળા કોટમાં સજ્જ એક પુરુષ અને એક મહિલા વકીલની ખુરશી પર બેઠા હતા. આ હતા મુખ્ય સુત્રધાર મિતેશ સાધુ અને તેની પત્ની ફાલ્ગુની સાધુ, જેમણે પોતાને અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ તરીકે ઓળખાવ્યા હતા.
રામસંગજીએ જ્યારે પોતાની સમસ્યા જણાવી, ત્યારે આ ભેજાબાજ દંપતીએ તરત જ પૈસા કમાવવાનો પ્લાન બનાવી લીધો. મદદ કરવાને બદલે તેમણે રામસંગજીને ડરાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, “તમે જેમની પાસે પૈસા માંગો છો, તે તમારા પર બળાત્કારનો ખોટો કેસ કરવાની તૈયારીમાં છે અને જા કેસ થશે તો ૨૦ વર્ષની જેલ થશે.” સામાન્ય પરિવારમાંથી આવતા ફરિયાદી ડરી ગયા. આ તકનો લાભ લઈ નકલી વકીલ મિતેશ સાધુએ કહ્યું કે, તેની પોલીસમાં ઊંચી ઓળખાણ છે અને જા પૈસા આપે તો તે ‘સેટિંગ’ કરી આપશે. જેલ જવાની બીકે રામસંગજીએ કટકે-કટકે પોતાના ધંધાના, પિતાના અને પત્નીના દાગીનાના મળી કુલ ૩ લાખ ૨૭ હજાર રૂપિયા આ ઠગ દંપતીને આપી દીધા. આરોપીઓ એટલા શાતિર હતા કે ખોટી અરજીઓ અને નોટિસો બનાવી ફરિયાદીને સતત ડરાવતા રહ્યા.
વારંવાર પૈસા આપવા છતાં જ્યારે માંગણીઓ બંધ ન થઈ, ત્યારે ફરિયાદીને શંકા ગઈ. તેઓ તપાસ કરવા વકીલની ઓફિસે પહોંચ્યા તો ત્યાં તાળું હતું. આસપાસ તપાસ કરતા અને અમદાવાદ સુધી ખરાઈ કરતા જાણવા મળ્યું કે ‘અવિનાશ રાવલ’ કે ‘ફાલ્ગુની રાવલ’ નામના કોઈ વકીલનું અÂસ્તત્વ જ નથી. આખરે ભાંડો ફૂટ્યો કે આ કોઈ વકીલ નહીં પણ મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ નામનું દંપતી છે, જેઓ વકીલનો સ્વાંગ રચીને લોકોને છેતરે છે. આખરે ભોગ બનનાર રામસંગજીએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હાલ આ ઠગ દંપતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે કોઈપણ વકીલ કે પ્રોફેશનલ પાસે જતા પહેલા તેમની સનદ અને ઓળખની ખરાઈ કરવી અત્યંત જરૂરી છે.