દેશના સામાન્ય નાગરિક જે રોજબરોજની વસ્તુઓ વાપરે છે તે સ્વદેશી છે કે વિદેશી તેની ઓળખ કરી શકે અને વધુમાં વધુ લોકો સ્વદેશી વસ્તુ વાપરતા થાય તેવા ઉમદા હેતુથી અનુકંપા ફાઉન્ડેશન દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. ફાઉન્ડેશનના પ્રમુખ ડો. ભરત કાનાબારે દેશભરની સ્વદેશી કંપનીઓ પોતાની પ્રોડક્ટ પર સ્વદેશી લોગો મૂકે તેવી ચળવળની શરૂઆત કરી છે. આ અંગે તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે દેશના પોતાના ઉદ્યોગોનો વિકાસ થાય અને રોજગારી વધે સાથે જ દેશનો પૈસો દેશમાં રહે તેવા પ્રયત્નો માટે આ સિમ્બોલની પહેલ કરવામાં આવી છે. આપણા દેશમાં વોકલ ફોર લોકલની અપીલ પણ કરવામાં આવી છે. આપણે જાણતા અજાણતા રોજબરોજ કેટલીય વિદેશી વસ્તુઓ વાપરીએ છીએ જેથી દેશનો પૈસો વિદેશમાં જાય છે. આ માટે દેશવાસીઓને ખાસ માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર સ્વદેશી બનાવટો પર સ્વદેશીનો લોગો લગાડવાથી દેશવાસીઓ આસાનીથી દેશની વસ્તુઓને ઓળખી અને ખરીદી કરી શકે. આ માટે અમરેલીની જાણીતી કંપની શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડએ સૌ પ્રથમ પહેલ કરી છે અને કંપની પોતાની દરેક પ્રોડક્ટ્સ પર સ્વદેશીનો લોગો મૂકશે જેથી લોકો આસાનીથી આવી વસ્તુઓની ઓળખ કરી શકે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓ પણ આવો લોગો વાપરે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
શીતલ આઈસ્ક્રીમ દ્વારા ચાર પ્રોડક્ટ્સ પર સ્વદેશી લોગો મૂકાયો છે: દિનેશભાઈ ભુવા
આ અંગે શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડના માલિક દિનેશભાઈ ભુવાએ જણાવ્યું હતું કે ડો. ભરત કાનાબારે કરેલી અપીલને શીતલ આઈસ્ક્રીમ પરિવારે અપનાવી છે અને હવેથી શીતલ આઈસ્ક્રીમની દરેક પ્રોડક્ટ્સ પર સ્વદેશીનો લોગો મૂકવામાં આવશે. હાલમાં કંપની દ્વારા ચાર પ્રોડક્ટ પર આ લોગો મૂકી પણ દેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં કંપની પોતાની તમામ પ્રોડક્ટ્સ પર આ લોગો મૂકશે. સાથે જ તેમણે ૧૪૦૦ થી વધુ લોકોને રોજગારી આપતા શીતલ આઈસ્ક્રીમ વિશે વિગતવાર માહિતી પણ આપી હતી.