ડાયમંડ સિટી સુરતમાં ઉત્તરાયણના પર્વને નિર્વિÎન અને સુરક્ષિત રીતે ઉજવવા માટે સુરત પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વર્ષે પોલીસે ટેકનોલોજી અને માનવબળના સમન્વય સાથે આકાશથી લઈને જમીન સુધી બાજ નજર રાખવાનું આયોજન કર્યું છે.
સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ૨૬૦થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૮૦૦ ટીઆરબી જવાનો અને ૧૩૮૦ હોમગાર્ડ ટ્રાફિક અને સુરક્ષામાં મદદ કરશે.એસઆરપીની ૫ કંપનીઓ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સંભાળશે. ૦૭ કયુઆરટી (ક્વીક રિસ્પોન્સ ટીમ), ૧૦ ડીસીબી અને ૧૦ એસઓજીની ટીમો સતત પેટ્રોલીંગ કરી કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા સજ્જ છે.
સુરત પોલીસ દ્વારા શહેરના ૧૫૦ જેટલા મહત્વના ધાબા પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી આધુનિક ટેકનોલોજી દ્વારા સીધું સુપરવિઝન કરવામાં આવશે. આખા શહેરમાં ઝ્રઝ્ર્ફ કેમેરા અને જવાનોના બોડીવોર્ન કેમેરા દ્વારા દરેક હિલચાલ પર નજર રાખવામાં આવશે. તાત્કાલિક મદદ માટે પીસીઆર વાન, ૧૧૨ સેવા અને બાઈક પેટ્રોલિંગની ટીમો કાર્યરત રહેશે.
જીવલેણ ચાઈનીઝ દોરી અને પ્લાસ્ટીકની દોરીના વેચાણ તેમજ વપરાશ સામે પોલીસે લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં પ્રતિબંધિત દોરી વેચનારાઓ સામે ૪૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે ઘાતક દોરી વાપરનાર કે વેચનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તરાયણ દરમિયાન ટુ-વ્હીલર ચાલકો ગળામાં દોરી આવવાથી અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસે અભૂતપૂર્વ કામગીરી કરી છે. ૧,૧૫,૫૨૦ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે. દ્ગર્ય્ંના સહયોગથી ૧૮,૧૯૦ સેફ્ટી ગાર્ડ (સળિયા) વાહનો પર લગાવવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે, સેફ્ટી ગાર્ડ વગરના ટુ-વ્હીલર માટે ફ્લાયઓવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે પોલીસ ‘કરુણા હેલ્પલાઈન’ સાથે સતત સંકલનમાં રહેશે. આ ઉપરાંત, પોલીસે વાલીઓને અપીલ કરી છે કે બાળકોને અગાશી પર એકલા ન છોડવા, હંમેશા વડીલોની દેખરેખ હેઠળ રાખવા. રીલ્સ અને સેલ્ફીની ઘેલછામાં અગાસીની ધાર પર જઈ જીવ જોખમમાં ન મૂકવો. સુરત પોલીસના આ કડક બંદોબસ્ત અને જનજાગૃતિ અભિયાનનો હેતુ એક જ છે – સુરતવાસીઓ સુરક્ષિત રહીને ઉત્તરાયણના પર્વનો આનંદ માણી શકે.






































