ભારતીય સંસદનું સત્ર ચાલુ થાય ત્યારથી એક વ્યક્તિ સતત ચર્ચામાં રહે છે,અને સૌથી વધુ નિવેદનો એમના બહાર આવે છે, છતાં જેમનો આક્ષેપ રહે છે કે એમને બોલવા દેવામાં નથી આવતો. કોઈપણ પ્રકારે સેન્ટર ઓફ કંટ્રોવર્સી બની રહેવાની એમની મંશાને કારણે સંસદના સત્રોનો કિંમતી સમય બલીએ ચઢી જાય છે. પાંચમી વખતના સાંસદ અને લીડર ઓફ ઓપોઝીશન પાસેથી હાઉસમાં વર્તવાનું એક ડેકોરમ અપેક્ષિત છે. સંસદના બંને ગૃહ ધારા નિર્ધારણનું સર્વોચ્ચ સ્થાન છે. ત્યાં બેસનારા પાસેથી એ
ગૃહોની ગરિમા જાળવી રાખવાની અપેક્ષા વિશેષ રહે છે. અને એના માટેના નિયમો પણ નિર્ધારિત થયેલા છે. છેલ્લા થોડા સત્રોથી, ખાસ કરીને મોદી સરકારની ત્રીજી ટર્મની શરૂઆતથી વિપક્ષોએ, ખાસ કરીને કોંગ્રેસે અલગ જ વલણ અખત્યાર કર્યું છે.ગૃહની અંદર ગંભીર પ્રકારના આક્ષેપો કરીને વાતાવરણ ડહોળી નાખવું,નિયમ હેઠળ જેનો સંદર્ભ ન લઇ શકાય એવા ચબરખી પ્રકારના સાહિત્યનો આધાર લઈને ધરાર ચર્ચા કરવાની માંગણી કરતા રહીને ગૃહ ન ચાલવા દેવું,અસંસદીય શબ્દો દ્વારા અન્ય સાથી સાંસદો અને સંસદ પરિસરની ગરીમાને ઠેસ પહોચાડવી, ગૃહના રૂલ્સની વિરુદ્ધમાં જઈને વર્તવું, મહિલા સાંસદોને ઉશ્કેરીને વડાપ્રધાનને ઘેરવાનું ષડ્યંત્ર કરવું, અધ્યક્ષની ચેમ્બરમાં જઈને ખરાબ શબ્દોથી વાદવિવાદ કરવો, બજેટ પર ચર્ચા કરતી વખતે અન્ય મુદ્દે ભટકી જવું કે ધરાર મુદ્દા પર ન આવવું,જેવી યોજનાબદ્ધ હરકતોથી વિશ્વમાં ભારતીય સંસદની પ્રતિષ્ઠાને હાની પહોચાડી છે. બંધારણની કલમ ૧૦૫,૧૨૨અને ૧૩૫છ હેઠળ સંસદમાં મળતા વિશેષાધિકારનો ગેર ફાયદો ઉઠાવીને રાહુલ ગાંધી કોઈપણ મુદ્દે કોઈપણ પદ, વ્યક્તિ કે સંસ્થા પર બેબુનિયાદ આક્ષેપો કરી નાખે છે. પાછળથી સાબિત કરવાની જવાબદારી ઉભી થાય ત્યારે પૂઠ બતાવીને ભાગી જાય છે યા તો એ મુદ્દો જ પડતો મુકીને કોઈ નવો મુદ્દો ઉઠાવી લે છે. અંદરના કન્ટેન્ટ વાંચ્યા વિના હાથમાં બુક લહેરાવવી એમની ખાસ આદત બની ચુકી છે. એમનું એવું સ્પષ્ટ માનવું છે કે જે એમની સાથે નથી એ રાજનેતા ગદ્દાર છે અને જે એમને પ્રશ્ન પૂછે છે એ દરેક વ્યક્તિ સત્તાપક્ષનો એજન્ટ છે. સ્પીકર દ્વારા વડાપ્રધાનને ચેતવવામાં આવે કે તમે ગૃહમાં ન આવશો, તમારી સાથે કોઈ અનપેક્ષિત કૃત્ય થઇ શકે છે તેવી માહિતી મારી પાસે છે. સંસદના ઇતિહાસમાં બાવીસ વર્ષ બાદ પહેલી વખત રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાનનું ભાષણ થઇ શક્યું નથી. જે પ્રકારે સ્પીકર દ્વારા ભય અને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી એ બાબત ભારતીય સંસદ પ્રણાલી માટે ઘાતક છે. ઘાઘરા પાછળ સંતાઈને ફાયરીંગ કરતો વિપક્ષ આઝાદી બાદ પહેલી વખત દેશે જોયો છે. માત્ર મહિલા સાંસદો દ્વારા વડાપ્રધાનની ખુરશી ઘેરીને બેનર બતાવવા પાછળ કોંગ્રેસની મંશા શું હતી ?૨૦૧૭થી લઈને અત્યાર સુધીમાં રાહુલ ગાંધી સામે છ વખત વિશેષાધિકાર ભંગની નોટીસ દાખલ કરવામાં આવી છે,અને એક વખત જાહેરસભામાં બોલવા બદલ ૨૦૨૩માં બે વર્ષની સજા પણ પડી છે અને સભ્યપદ પણ રદ્દ થઇ ચુક્યું છે. આ સજા સામે છેક સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે મેળવ્યા બાદ તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત થયું છે. ભારતની સંસદીય લોકશાહી ઇતિહાસમાં આટલી વખત આટલા ટૂંકા સમયમાંલગભગ કોઈ સદસ્ય સામે કાર્યવાહી થઇ નથી. બીજા ગુનાઓની ભાષામાં આ પ્રકારના કૃત્ય વારેવારે કરનારને રીઢો ગુનેગાર કહેવામાં આવે છે.એમના દ્વારા જે આક્ષેપો મુકવામાં આવે છે એની પાછળ કોઈ સાબિત કરતા આધાર પુરાવાઓ ક્યારેય રજૂ કરવામાં આવતા નથી. એમને પણ ખબર છે કે સંસદની અંદર આવા આક્ષેપો કરીને છટકી જઈ શકાય છે, એ બદલ કોઈ કાર્યવાહી થઇ શકવાની નથી. સંસદની બહાર જો આવો કોઈ આક્ષેપ કરવામાં આવે તો સીધી કાર્યવાહી થઇ શકે છે અને ભૂતકાળમાં તેમના પર આવી કાર્યવાહી થઇને કોર્ટે સજા પણ ફટકારી છે.
જાહેરજીવનમાં ભાષા અગત્યનું હથિયાર છે. આ એ ક્ષેત્ર છે જ્યાં શબ્દ સદીઓ સુધી પીછો કરે છે. જો તમારા શબ્દની પાછળ તર્ક, સત્ય અને તથ્યની તાકાત હોય તો એ તમારું અમોઘ શસ્ત્ર બની જાય છે, એવી જ રીતે તમારા વાહિયાત કુતર્કોમાંથી પેદા થયેલો,મેલા ઈરાદાઓના અસત્યની ઓથ ધરાવતો અને તથ્ય વિનાનો તમારો જ શબ્દ તમારી સામે હથિયાર તરીકે વિરોધીઓ વાપરી શકે છે. બોલવું, તર્કબદ્ધ બોલવું, તથ્યો સાથે બોલવું એકને બીજાથી અલગ પાડે છે.એક શબ્દે મહાભારત સર્જાઈ શકે છે અને એક શબ્દે કુરૂક્ષેત્ર અટકાવી શકાય છે.જયારે વારે વારે તમે તમારે શબ્દોથી પાછા હઠતા રહેતા હો, આજે બોલીને કાલે માફી માંગતા ફરતા હો ત્યારે જનતા તમારા શબ્દોમાં વિશ્વાસ નથી કરતી. તમારા વિધાન ફજેતો બની જાય છે ત્યારે તમારા વાયદાઓ મજાક બની રહે છે. જાહેરજીવનની વ્યક્તિ પાસેથી પ્રજાને ભરોસા સિવાય બીજું કશું અપેક્ષિત નથી હોતું. એ ભરોસો શબ્દો અને ઉચિત વર્તણૂક દ્વારા પ્રસ્થાપિત થાય છે. જે હાંસલ કરતા વર્ષો વીતી જાય છે અને જતા એક ઘડી જ થાય છે. રાજનીતિમાં ઘણા એવા ઉદાહરણો છે કે એક શબ્દ કે એક વિધાને કારકિર્દીઓ પૂરી કરી દીધી છે.
નેતા પ્રતિપક્ષનું પદ ખુબ મોટું અને જવાબદારી ભર્યું છે. કોઈ એક વ્યક્તિના વાણી વર્તનથી એની ગરિમાને ધક્કો લાગે એ મુનાસીબ નથી. સંસદમાં બેઠેલા દરેકનું એ દાયિત્વ છે કે આમ બનતા અટકાવવું જોઈએ. જો ભાજપ રાહુલગાંધીના બોલવામાં પોતાનો ફાયદો જોઈ રહ્યો હોય અને તેમની સામે કોઈ ઠોસ કાર્યવાહીથી બચતો હોય, અને એમ કરીને કોઈ રાજકીય લાભ ખાટવાની પ્રત્યક્ષ કે પરોક્ષ યોજના કે આયોજન ધરાવતો હોય તો એ રાજનીતિનું સ્તર નિમ્ન છે.
ક્વિક નોટ —
શબ્દ કે મારે મર ગયે, શબ્દે છોડા રાજ, જીને જીને શબ્દ વિવેક કીયા, તાકા સરિયાકાજ.
શબ્દ ઐસા બોલીયે, તનકા આપા ખોય, ઔરન કો શિતલ કરે, આપનકો સુખ હોય.













































