સુપ્રિમ કોર્ટમાં રખડતા શ્વાન બાબતે સુનવણી ચાલી રહી છે ત્યારે જ અમરેલીના નાગરિકોને નિશાન બનાવ્યા
અમરેલી શહેરમાં સોમવારના રોજ શ્વાને અનેક વિસ્તારોમાં નાગરિકોને નિશાન બનાવ્યા હતા. શ્વાને ૪૦થી વધુ લોકોને કરડતા પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોએ ભારે આતંક મચાવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા શાકમાર્કેટ, ચાંદની ચોક અને માણેકપરા સહિતના વિસ્તારોમાં હડકાયા શ્વાને બાળકોથી લઈને વૃદ્ધો સુધીના આશરે ૪૫ જેટલા લોકોને બચકાં ભરી ઈજાગ્રસ્ત કર્યા છે. અમરેલી શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ભયનો માહોલ છે. વાંકિયા, બરવાળા (બાવીસી વિસ્તાર) અને ધારી તાલુકામાં પણ શ્વાને હુમલો કરી લોકોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં લોકોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે અને ઘણા પરિવારો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોસ્પિટલ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ રખડતા શ્વાનોના ત્રાસથી મુક્તિ અપાવવા તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર,અમરેલી નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વંધ્યીકરણ કે કૂતરાઓને પકડવાની કોઈ સક્રિય ઝુંબેશ ન ચલાવાતી હોવાથી લોકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે રખડતા કૂતરાઓને પકડવાનું અભિયાન શરૂ કરે, નહીંતર આગામી દિવસોમાં કોઈ મોટું આંદોલન છેડવામાં આવશે
પાલિકાએ વિવિધ ટીમ બનાવી
અમરેલી શહેરમાં શ્વાને ૪૦થી વધુ લોકોએ કરડતા નગરપાલિકા હરકતમાં આવ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા ચાર સભ્યોની ત્રણ ટીમ બનાવી છે. આ ટીમ દ્વારા જે વિસ્તારમાં શ્વાન કરડ્યા છે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. આ અંગે ચીફ ઓફીસર વિનોદ રાઠોડે જણાવ્યું હતું કે, ભાવનગરમાં કાર્યકરત એજન્સી દ્વારા અમરેલીમાં શ્વાનોને પકડી તેમનું રસીકરણ કરવામાં આવશે. જા કે આ કાર્યવાહી પહેલા પણ કરવામાં આવી હોત પરંતુ જીવદયાપ્રેમીઓના કારણે કામગીરી થઈ શકી નહોતી. રસીકરણ અને ડીવોર્મિગ કરવાના કારણે કદાચ જા શ્વાન કરડે તો વ્યક્તિને કોઈ ગંભીર અસર થાય નહી તેમ અંતમાં ચીફ ઓફીસરે જણાવ્યું હતું.









































