અમરેલી તાલુકામાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત આઈ.સી.ડી.એસ. ઘટક-૨ હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં કાયા કલ્પની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યા તથા જિલ્લા કાર્યક્રમ અધિકારી હીરા બહેન રાજશખાના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજના અધિકારી નિરાલી બહેન કીકાણીની દેખરેખમાં ૯૬ આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આંગણવાડીની દીવાલો પર આકર્ષક ચિત્રકામ, કલરકામ અને રિપેરિંગ કરીને બાળકો માટે શિક્ષણ અને સંસ્કારનું સંગમસ્થાન ઉભું કરવામાં આવી રહ્યું છે. તાલુકામાં પોતાના મકાનમાં કાર્યરત ૯૬ આંગણવાડી કેન્દ્રો પૈકી ૮,૫૦૦ રૂપિયાની ગ્રાન્ટ હેઠળ ૪૫ કેન્દ્રોમાં કલરકામ અને ચિત્રકામ સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ૫૧ કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે. આ નવીનીકરણથી આંગણવાડીના કેન્દ્રો વધુ સુવિધાસભર અને આકર્ષક બન્યા છે.