જયાં સુધી મુખ્યમંત્રી આકરા પાણીએ નહી થાય ત્યાં સુધી ‘હમ નહી સુધરેંગે’
ખખડધજ રસ્તાઓ અંગે લોકોએ વારંવાર રજૂઆત કરી હતી પરંતુ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નહોતા, હવે દોડવા લાગ્યા
રાજયમાં ભારે વરસાદને કારણે સરકારની મેઘરાજાએ પોલ ખોલી છે. કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાઠ ધરાવતા અમુક અધિકારીઓ અને નેતાઓના પાપે નાગરિકોના લલાટે હાલાકી લખાયેલી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ યોજેલી બેઠકમાં રાજયના રોડ-રસ્તા રિપેર કરવા માટે આદેશ આપ્યો હતો. જા કે મુખ્યમંત્રીનો આદેશ હોય એટલે સરકારી બાબુઓએ આળસ ખંખેરી હતી અને જે જગ્યાએ મસમોટા ખાડાઓ કે રસ્તાઓ બિસ્માર હોય તેમાં પણ પેચવર્કની કામગીરી શરૂ કરી છે. આવું જ કંઈક અમરેલી જિલ્લામાં પણ થઈ રહ્યું છે. માર્ગ-મકાન ખાતુ દરરોજ પોતે કરેલી કામગીરી મીડિયામાં ચમકાવી રહ્યું છે અને તાબડતોબ રસ્તા રિપેરીંગનું કામ કરી રહી છે. જા કે જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. વર્ષો સુધી સામાન્ય નાગરિક રાજકીય નેતાઓને ફરિયાદ કરતો આવ્યો છે પરંતુ સ્થાનિક રાજકીય નેતાઓ પણ નાગરિકોને માત્ર સાંત્વના આપી રહ્યા હતા. અમરેલી જિલ્લાના નાગરિકો એક જ સવાલ પૂછી રહ્યા હતા કે જયારે પ્રજા ટેક્ષ ચુકવી રહી છે ત્યારે સારો રસ્તો બનાવવા માટે શું ભીખ માંગવાની? પરંતુ સામાન્ય નાગરિકની રજૂઆત કોઈ નેતા કે અધિકારીઓ સાંભળતા નથી.
જિલ્લાના મુખ્ય માર્ગો ખખડધજ થઈ ગયા છે. વર્ષોથી વાહનચાલકો આ હાલાકીનો સામનો કરે છે. રાજકીય નેતાઓને પણ લોકોની તકલીફની ખબર છે પરંતુ અમરેલી જિલ્લાના નેતાઓ અધિકારીઓને રસ્તા રિપેર કરવા માટે શા માટે કંઈ કહી શકતા નથી? એવા અનેક રસ્તાઓ છે જે વર્ષોથી બિસ્માર હાલતમાં છે પરંતુ જયારે ચોમાસુ આવે ત્યારે અધિકારીઓને રસ્તો રિપેર કરવાનું સુઝે છે. રાજય સહિત અમરેલી જિલ્લાના રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને આદેશ આપતા અધિકારીઓ પણ સફાળા જાગ્યા છે. જયાં સુધી મુખ્યમંત્રી આદેશ ન કરે ત્યાં સુધી અધિકારીઓએ ‘હમ નહી સુધરેંગે’નું સુત્ર અપનાવ્યું છે. રાજયના નાગરિકો વર્ષોથી ટેક્ષ ભરે છે પણ મુખ્યમંત્રી સૂચના આપે ત્યારે જ રસ્તા રિપેરીંગ કરવામાં આવે તે ખુબ જ શરમજનક બાબત હોવાનું નાગરિકો જણાવી રહ્યાં છે. આમ, જયારે મુખ્યમંત્રી સૂચના આપે ત્યારે જ અધિકારીઓ કેમ જાગે છે? તેવો સવાલ આમ જનતામાં ઉઠવા પામ્યો છે.
માર્ગ-મકાન ખાતાનું ફોટોસેશન
અમરેલી જિલ્લાના અનેક માર્ગો બિસ્માર હાલતમાં છે ત્યારે મુખ્યમંત્રીની કડક સૂચનાથી અમરેલી માર્ગ-મકાન ખાતુ પણ હવે જાગ્યું છે અને પેચવર્કનું કામ જારશોરથી શરૂ કરવામાં આવ્યુ છે. પેચવર્કના કામના ફોટો મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે ત્યારે વર્ષોથી ખખડધજ હાલતમાં રહેલા માર્ગ તંત્રને પહેલા કેમ ન દેખાયા તેવો સવાલ પ્રબુધ્ધ નાગરિકો ઉઠાવી રહ્યા છે.
તંત્રને નબળા પુલ હવે દેખાયા
અમરેલી જિલ્લામાં આવેલા અનેક પુલ ધરાશાયી થવાના વાંકે ઉભા છે. આ બાબતે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નહોતી. જ્યારે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જાડતો ગંભીરા પુલ ધરાશાયી થયો જેમાં ર૦ લોકોના જીવનદીપ બુઝાઈ ગયા ત્યારે સરકાર અચાનક જાગી અને તમામ પુલનો સર્વે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં અમરેલી જિલ્લામાં આવેલા માચીયાળા, અમરેલીની સાવરકુંડલા ચોકડીથી બગસરા જતા બાયપાસ રોડ પર આવેલો પુલ તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો તેમજ જિલ્લામાં આવેલા નાના-મોટા પુલનું મરામત કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું કોઈના જીવનદીપ બુઝાય પછી જ પુલનું સમારકામ કરવામાં આવશે?