અમરેલી પોલીસની એલસીબી ટીમે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ૩ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી બે પરપ્રાંતીય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.૧.૩૫ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી લાઠી તાલુકામાં થયેલી ચોરીઓના બનાવોનો પર્દાફાશ થયો હતો.અમરેલી એલસીબી ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાની આગેવાની હેઠળ, ટીમે ટેકનિકલ અને બાતમીના આધારે બે પરપ્રાંતીય ઇસમોને ઝડપી પાડ્યા. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના અને હાલ લીલીયાના જાત્રુડા ગામે રહેતા દિનેશ વીરસિંહ બોડેલીયા (ઉ.વ. ૨૦) તથા રાજુ નરસિંહ પચાયા (ઉ.વ. ૨૦) પાસેથી રૂ.૧,૩૫,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમની પાસેથી રોકડા રૂ.૯૦,૦૦૦ પણ મળી આવ્યા હતા. આરોપીઓની સઘન પૂછપરછમાં ૩ ગુનાઓની કબૂલાત કરી હતી. જેમાં આશરે એક મહિના પહેલા અલી ઉદેપુર ગામમાં રાત્રિના સમયે બંધ મકાનમાં પ્રવેશ કરીને રૂ.૨૨,૦૦૦ રોકડા, સોનાની વીંટી અને ચાંદીનો કંદોરો ચોર્યા હતા. બીજા બનાવમાં તેમણે દુધાળા ગામમાં ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં આશરે પંદર દિવસ પહેલા રાત્રિના સમયે બંધ મકાનમાંથી રૂ.૭૫,૦૦૦ રોકડા, ઓળખ કાર્ડ અને બે કાંડા ઘડિયાળની ચોરી કરી હતી. ત્રીજા બનાવમાં જરખીયા ગામમાં વાહન ચોરી કરી હતી. આશરે બાર દિવસ પહેલા રાત્રિના સમયે બંધ મકાનમાંથી એક કાળા કલરનું હીરો એચએફ ડિલક્સ મોટરસાયકલ ચોર્યું હતું.