અમરેલીમાં આજે આમઆદમી પાર્ટી દ્વારા જિલ્લામાં સંગઠનના મજબુતીકરણ અને આગામી કાર્યક્રમોની સફળ અમલીકરણ અંગે મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, લોકસભા ઈન્ચાર્જ કાંતિભાઈ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, લાઠી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા અને ધારી વિધાનસભાના સંનિષ્ઠ પદાધિકારીઓ, જિલ્લા–તાલુકા–શહેરના પદાધિકારીઓ અને કાર્યકરોની ટીમો ઉપસ્થિત રહી હતી. જેમાં SIR પ્રોસેસમાં સામાન્ય નાગરિકોને મદદરૂપ થવા માટે સંગઠનની જવાબદારી વધુ મજબૂત બનાવવાની યોજના, BLA ૧ અને BLA ૨ ની જવાબદારીઓ સ્પષ્ટ કરીને BLO સાથે સીધો સંવાદ અને ચૂંટણી પંચ સાથે સંકલન મજબૂત કરવાનો સંકલ્પ, સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને કેન્દ્રમાં રાખીને દરેક બુથ સ્તર સુધી તૈયારી શરૂ કરવાનો નિર્ણય, બુથ લેવલ સુધી સક્રિય અને મજબૂત સંગઠન ઊભું કરવા માટે દરેક પદાધિકારીને વિશિષ્ટ જવાબદારીઓ સોંપવી, ૭ ડિસેમ્બરે આયોજિત કિસાન મહાપંચાયતને ભવ્ય સફળ બનાવવા માટે ગ્રામિણ સ્તરે વ્યાપક સંકલન અને જનજાગૃતિ અભિયાન ચલાવવાની વ્યૂહરચના અંગે ચર્ચા-વિચારણા થઇ હતી. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ જણાવ્યું કે, “આમ આદમી પાર્ટીનું શક્તિ કેન્દ્ર કાર્યકર્તાઓ છે, અને જનતાની સમસ્યાઓને હૃદયથી સમજીને તેમના હક્ક માટે લડવાનું અમારું ધ્યેય છે. દરેક ગામ, દરેક બૂથ પર સંગઠન સક્રિય રહેશે તો રાજકીય પરિવર્તન અટકાવી શકાય એવું નથી.” બેઠકના અંતે દરેક વિધાનસભાએ પોતાના વિસ્તાર માટે આયોજન રજૂ કર્યું અને આવનારા દિવસોમાં જિલ્લા સ્તરે વિશાળ સંગઠન અભિયાન ચલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.







































