અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં બનેલી હત્યાની ઘટનામાં સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. નજીવી બોલાચાલી બાદ યુવકની છરી મારી હત્યા કરનાર આરોપી સમીર કુરેશીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે નોંધ્યું કે આરોપી સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર થાય છે અને આવા ગંભીર ગુનામાં દયા દાખવવી ન્યાયોચિત નથી.
૧૪ જુલાઈ, ૨૦૨૦ની રાત્રે લગભગ ૧૦ વાગ્યે બહેરામપુરા વિસ્તારમાં ૪૫ વર્ષીય અકરમ સૈયદ પોતાના ઘર પાસે ઊભા હતા. ત્યારે સમીર કુરેશી ત્યાં આવ્યો હતો. અકરમે તેને મોડી રાત્રે કેમ ઊભો છે તે અંગે પૂછતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા સમીરે ગુસ્સામાં આવી છરી કાઢી અકરમ પર હુમલો કર્યો હતો.
હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ અકરમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અકરમે પોતે જ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસની સારવાર બાદ અકરમનું મોત થયું હતું. આ બનાવને લઈ દાણીલીમડા પોલીસ સ્ટેશને સમીર સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી.
ટ્રાયલ દરમિયાન મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપીનો ગુનામાં સક્રિય અને સીધો રોલ છે, જે સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાથી સ્પષ્ટ થાય છે. મૃતકે હોસ્પિટલમાં જ આપેલી ફરિયાદ કેસ માટે મહત્વપૂર્ણ પુરાવો છે. નજીવી તકરારમાં યુવકની હત્યા જેવી ઘટના સમાજ માટે ગંભીર છે, તેથી આરોપીને સખ્તમાં સખ્ત સજા થવી જાઈએ જેથી સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે.
બીજી તરફ, બચાવ પક્ષે આરોપીને ઓછી સજા આપવા રજૂઆત કરી હતી. જાકે, કોર્ટએ બંને પક્ષની દલીલો અને પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ નોંધ્યું કે આરોપી સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર થાય છે.કોર્ટે અંતમાં જણાવ્યું કે, આવા ગંભીર ગુનામાં દયા દાખવવી યોગ્ય નથી અને કાયદા મુજબ કડક સજા આપવી જ ન્યાયસંગત છે. પરિણામે, સમીર કુરેશીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.









































