ગુજરાતમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની પ્રથમ તબક્કાની પ્રક્રિયા પુરી થઈ ગયા પછી ચૂંટણી પંચ દ્વારા ડ્રાફટ મતદાર યાદી જાહેર કરવામાં આવી. અમદાવાદમાં એસઆઇઆર કામગીરીમાં ૯.૧૫ લાખ અનમેપ્ડ મતદારો મળી આવ્યા હતા. આ પછી હવે બીજા તબક્કાની કામગીરી શરૂ કરીને અમદાવાદના અનમેપ્ડ ૯.૧૫ લાખ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. મતદારોને વાંધો રજૂ કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો.
અનમેપ્ડ મતદારોને નોટિસ મોકલીને તેમના વાંધા અને પુરાવા રજૂ કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે, અમદાવાદના વટવા વિસ્તારમાં સૌથી વધુ ૧.૩૭ અનમેપ્ડ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે ઘાટલોડિયામાં ૧.૨૨ લાખ અને વેજલપુરમાં ૧.૦૯ લાખ નોટિસ અપાઈ છે. દરરોજ સરેરાશ ૬૨ હજાર લોકોની સુનાવણી કરવામાં આવશે. મતદારોને નોટિસમાં કયા પુરાવા સાથે હાજર રહેવાનું છે એ પણ જણાવવામાં આવ્યું છે. અનમેપ્ડ મતદારોએ સબંધિત અધિકારી પાસે હાજર થવાનું રહેશે. આ કામગીરી માટે ૭૫૦થી વધુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ૭૫૦ અધિકારીઓ અનમેપ્ડ મતદારોની વાંધાઓની અરજીઓ-અપીલોની સુનાવણી માટેની કામગીરીમાં જાડાશે.
અનમેપ્ડ મતદારોની સુનાવણીની કામગીરી માટે અમદાવાદ શહેરમાં ડેપ્યુટી કલેકટર અને મામલતદાર કક્ષાના કુલ ૭૫૦ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ૯.૧૫ લાખ લોકોના વાંધા અંગે સુનાવણી કરશે. માહિતી પ્રમાણે, એક અધિકારી એક દિવસમાં લગભગ ૫૦થી વધારે દાવાઓ પર સુનાવણી કરશે, અને પછી એ નક્કી કરશે કે તેમનું નામ મતદાર યાદીમાં સમાવવું કે નહીં. અનમેપ્ડ મતદારોએ પોતાના દાવા અને આપત્તિ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં રજૂ કરવાની રહેશે. આ પછી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં આ તમામ અરજી પર કાર્યવાહી કરવામાં આવશે.
જે મતદારોને નોટિસ મળી છે, તેમણે નોટિસમાં આપવામાં આવેલા સરનામે જઈને પુરાવા રજૂ કરવાના રહેશે. જણાવી દઈએ કે મતદારોને નોટિસ પોસ્ટ દ્વારા મળશે. જો આ મતદારોમાંથી કોઈના પણ દાવાઓ કે વાંધાઓની અરજી નામંજૂર થાય છે તો તેઓ પહેલા જિલ્લા ચૂંટણી અધિકારીને અપીલ કરી શકે છે અને આ પછી તેઓ મુખ્ય ચૂંટણી અધિકારીને અપીલ કરી શકે છે. જણાવી દઈએ કે અનમેપ્ડ મતદારો એટલે કે એવા મતદારો કે જેઓનું નામ હાલની મતદાર યાદીમાં તો છે, પરંતુ ૨૦૦૨ની મતદાર યાદીમાં તેમનું પોતાનું કે તેમના સંબંધીનું નામ ન હોય.








































