ફેબ્રુઆરી ૨૦૨૨માં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.ડીઆરઆઇને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ નંબર ય્૯૪૮૧ દ્વારા અમદાવાદ આવેલી યુગાન્ડાની નાગરિક મુકાકીબીબી હાનાને એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી.
મહિલાના સામાનની જ્યારે શરૂઆતમાં તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી, પરંતુ શારીરિક તપાસ દરમિયાન તેનું પેટ અસામાન્ય રીતે કઠણ જણાતા અધિકારીઓને શંકા ગઈ હતી. આ શંકાના આધારે વધુ તપાસ કરવામાં આવી હતી, જેમાં મહિલાએ ૭૯ ડ્રગ્સની કેપ્સ્યુલ ગળીને લાવ્યાનું બહાર આવ્યું હતું.
મહિલાની સંમતિ બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. ત્યાં એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યા હતા, જેમાં તેના પેટમાં વિદેશી વસ્તુઓ હોવાની પુષ્ટિ થઈ હતી. તબીબોની સતત દેખરેખ હેઠળ ત્રણ દિવસ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ તેના પેટમાંથી કુલ ૭૯ ડ્રગ્સ કેપ્સ્યુલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.
આ કેપ્સ્યુલ્સને ગાંધીનગર સ્થિર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક તપાસમાં તેમાં રહેલો પાવડર ‘હેરોઈન’ હોવાનું સાબિત થયું હતું. તમામ ૭૯ કેપ્સ્યુલમાંથી કુલ ૮૬૮ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જે એનડીપીએસ કાયદા મુજબ ‘કોમર્શિયલ ક્વોન્ટટી’ એટલે કે વ્યાપારી જથ્થામાં આવે છે. આ મામલે ડીઆરઆઇ દ્વારા મુકાકીબીબી હાના સામે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન ખાસ સરકારી વકીલ સુધીર ગુપ્તાએ પૂરતા સાક્ષી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે આવા અનેક કિસ્સાઓમાં વિદેશી નાગરિકો દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહી છે, જેના કારણે યુવા ધન નશાના રવાડે ચઢી બરબાદ થઈ રહ્યું છે. બંને પક્ષોની દલીલો બાદ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે નોંધ્યું હતું કે કેસ ગંભીર છે અને આરોપ સંપૂર્ણ રીતે પુરવાર થાય છે. સમાજમાં કાયદાનો ભય રહે અને ડ્રગ્સ જેવી સામાજિક બુરાઈ સામે કડક સંદેશ જાય તે હેતુથી આરોપી મહિલાને ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી જેલમાં મોકલી આપવામાં આવી છે.








































