અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ગોવિંદા મંગળવારે રાત્રે ૮:૩૦ વાગ્યે અચાનક બેભાન થઈ ગયા. ડાક્ટરની સલાહ લીધા પછી, તેમને કેટલીક દવા આપવામાં આવી. દવા લીધા પછી તેમની તબિયતમાં સુધારો થયો હોવાનું જણાવાયું છે. જાકે, લગભગ ૧૨ઃ૩૦ વાગ્યે, તેમને ફરીથી અસ્વસ્થતા અનુભવાવા લાગી, અને લગભગ ૧ વાગ્યે, તેમને મુંબઈની ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમના અનેક પરીક્ષણો કરવામાં આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હાલમાં સ્વસ્થ છે.
ગોવિંદા હાલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે, અને સ્વાસ્થ્ય અપડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તાજેતરમાં, ગોવિંદાએ મુંબઈમાં હી-મેન ધર્મેન્દ્રની બ્રીચ કેન્ડી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી, અને તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. મુલાકાત દરમિયાન ગોવિંદા ખૂબ જ ભાવુક દેખાયા હતા. ધર્મેન્દ્રની બગડતી તબિયત વચ્ચે, ગોવિંદાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારથી તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ છે, જેઓ તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
નોંધનીય છે કે ગોવિંદાને એક વર્ષ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાને તેમની પોતાની લાઇસન્સ પ્રાપ્ત પિસ્તોલથી ગોળી વાગી હતી. ગોવિંદા પોતાના મુંબઈ સ્થિત ઘરમાં રિવોલ્વર રાખી રહ્યા હતા ત્યારે તેમના હાથમાંથી રિવોલ્વર સરકી ગઈ અને ગોળી તેમના ડાબા ઘૂંટણમાં વાગી ગઈ. અકસ્માત બાદ, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સર્જરી બાદ તેમના ઘૂંટણમાંથી ગોળી કાઢવામાં આવી. પોલીસે પણ આ ઘટનાની તપાસ કરી. ઘટનાની જાણ થતાં, ઘણી હસ્તીઓ તેમને મળવા હોસ્પિટલમાં આવી હતી.
ગોવિંદાના વકીલ અને મિત્ર લલિત બિંદલે આ અંગે પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યાં મુજબ અભિનેતાની તબીયત ઠીક ન લાગતા ઈમરજન્સીમાં ખસેડાયા. ગોવિંદાના વકીલ અને મિત્ર લલિત બિંદલે જણાવ્યું કે અભિનેતા થોડું અસહજ મહેસૂસ કરી રહ્યા હતા. તમામ ટેસ્ટ થઈ ગયા છે. હવે રિપોર્ટ્સ અને ન્યૂરો કન્સલ્ટેશનના અભિપ્રાયની રાહ જાવાઈ રહી છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે.














































