ગુજરાતમાં નવું વર્ષ શરૂ થઈ ગયું છે.

ગુજરાતમાં છ દિવસ પહેલાં એટલે કે બેસતા વરસથી વિક્રમ સંવત 2078ની શરૂઆત થઈ ગઈ. ભારતમાં હિંદુ પરંપરામાં વિક્રમ સંવતથી નવું વર્ષ શરૂ થાય છે. માળવા એટલે કે હાલના ઈન્દોરના રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એની યાદમાં ઈસવી સન પૂર્વે સત્તાવનમાં આ સંવતની શરૂઆત કરવામાં આવી હતી. હાલનું ગુજરાત જ ભૂતકાળનો અવન્તિ પ્રદેશ હતો તેથી આ સંવત ભારતમાં પ્રચલિત થયો. ગુજરાતમાં સોલંકી વંશના સિધ્ધરાજ જયસિંહ સહિતના રાજાઓના સમયથી વિક્રમ સંવત ચલણમાં છે.

ગુજરાતમાં પરંપરાગત રીતે લોકો કારતક મહિનાના પહેલા દિવસથી નવા વરસની ઉજવણી કરે છે પણ વિક્રમ સંવત એટલું લોકપ્રિય નથી. આપણે ગ્રોગેરીયન કેલેન્ડરને અનુસરીએ છીએ તેથી વિક્રમ સંવત વિશે આપણને બહુ ખબર નથી. ગ્રેગોરીયન કેલેન્ડર એટલે ઈસવી સન પ્રમાણે ઉજવાતું વર્ષ એટલે કે અંગ્રેજી નવું વર્ષ. ગ્રેગ્રોરિયન કેલેન્ડર પ્રમાણે 1 જાન્યુઆરીએ નવું વર્ષ શરૂ થાય છે. ઈસુ ખ્રિસ્તના જન્મના દિવસથી શરૂ થતું આ ખ્રિસ્તી નવું વર્ષ 31 ડીસેમ્બરે પૂરું થાય છે.

ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં હિંદુ કેલેન્ડર પ્રચલિત નથી એ વાત આંચકાજનક લાગશે પણ તેનાં કારણો સમજવા જેવાં છે. બ્રિટિશ સામ્રાજ્ય દુનિયાના સંખ્યાબંધ દેશોમાં ફેલાયેલું હતું તેથી દુનિયામાં ગ્રેગોરિયન કેલેન્ડર લગભગ તમામ દેશોમાં ચલણમાં છે. ભારતમાં પણ અંગ્રેજ શાસનના કારણે અંગ્રેજોનું કેલેન્ડર પ્રચલિત બન્યું અને લગભગ તમામ વ્યવહારો આ કેલેન્ડર પ્રમાણે જ થાય છે. આ કારણે ભારતમાં બહુમતી હિંદુઓની છે પણ ચલણમાં અંગ્રેજી કેલેન્ડર છે. હિંદુઓને પણ તિથી યાદ નથી હોતી પણ તારીખ ચોક્કસ યાદ હોય છે.

જો કે મુખ્ય કારણ એ છે કે, ગ્રેગોરીયન કેલેન્ડરમાં બધું ફિક્સ છે. વરસમાં બાર મહિના હોય, દરેક મહિનામાં કેટલા દિવસ હોય, દર ચાર વર્ષે લીપ યર આવે એ બધું નક્કી જ છે અને તેમાં કોઈ ફેરફાર થતો નથી. તમે પચાસ વર્ષ પહેલાંની કોઈ તારીખે ક્યો વાર હતો એવું કોઈને પૂછો તો પણ ગણતરીની મિનિટોમાં જવાબ આપી દેવાય.

///////////////////

આપણા હિંદુ કેલેન્ડરમાં કશું નક્કી નથી.

આપણું કેલેન્ડર પંચાંગ પ્રમાણે નક્કી થાય છે. હિંદુ કેલેન્ડરમાં મહિનામાં સુદ ને વદ એવાં બે પખવાડિયાં હોય છે ને પખવાડિયામાં પણ પંદર દિવસ જ હોય એવું નક્કી નથી હોતું. કોઈ પખવાડિયામાં પંદર દિવસ હોય તો કોઈમાં ચૌદ પણ હોય ને પછી બીજા કોઈ પખવાડિયામાં સોળ કે સત્તર દિવસ પણ હોય. અંગ્રેજી મહિનામાં બીજી તારીખ પછી ત્રીજી તારીખ જ આવે જ્યારે હિંદુ કેલેન્ડરમાં બીજ પછી ત્રીજ આવે પણ ખરી ને ના પણ આવે. કોઈ તિથી પખવાડિયામાં બે વાર આવે તો કોઈ સાવ જ ના આવે એવું પણ હોય. એક જ દિવસે બે તિથી હોય એવું પણ બને.

વિક્રમ સંવતમાં પણ વરસમાં સામાન્ય રીતે બાર મહિના જ છે પણ કોઈ વરસમાં અધિક માસ અથવા તો પુરૂષોત્તમ માસ આવી જાય તો તેર મહિના પણ થઈ જાય. આ વધારાનો મહિનો પણ ક્યારે આવશે એ નક્કી ના હોય. કોઈ વાર શ્રાવણ મહિના પહેલાં આવે તો કોઈ વાર શ્રાવણ મહિના પછી આવે. કોઈ વાર બીજા કોઈ મહિનાની આગળપાછળ પણ આવી જાય. આ બધાં કારણોસર હિંદુ કેલેન્ડરની તિથી યાદ રાખવી બહુ અઘરી છે.

///////////////////

બીજી એક અસમાનતા પણ યાદ રાખવા જેવી છે.

ભારતમાં હિંદુઓમાં વિક્રમ સંવત પ્રચલિત છે પણ વિક્રમ સંવત ક્યારથી શરૂ થાય એ વિશે પણ એકરૂપતા નથી. ગુજરાતમાં દિવાળીએ વર્ષ પૂરું થાય છે અને બેસતા વર્ષના દિવસે નવું વર્ષ શરૂ થાય છે. આ કારણે આપણું નવું વરસ હમણાં શરૂ થયું પણ દેશના બીજા ભાગોમાં વિક્રમ સંવત 2078 પહેલાં જ શરૂ થઈ ગયેલું. સમગ્ર ઉત્તર ભારત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચૈત્રી નવરાત્રિની સમાપ્તિથી નવું વર્ષ શરૂ થાય છે. ઉત્તર ભારતમાં ચૈત્ર સુદ એકમ નવું વર્ષ શરૂ થાય છે દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશો તથા ગુજરાતમાં કારતક સુદ એકમથી શરૂ થાય છે. ભારતના કેટલાક વિસ્તારોમાં અષાઢ સુદ એકમથી પણ વિક્રમ સંવત શરૂ થાય છે. દેશના બહુમતી હિંદુઓ માટે ચૈત્ર સુદ એકમથી વિક્રમ સંવત શરૂ થાય છે પણ વિક્રમ સંવત શરૂ થવા માટે ત્રણ અલગ અલગ તિથી છે.

આ સ્થિતી છે તેનું કારણ એ છે કે, આપણે દિવસો અને વર્ષ ગણવા અલગ અલગ પધ્ધતિ અપનાવીએ છીએ. વિષ્વમાં અલગ અલગ કેલેન્ડર્સમાં વર્ષની ગણત્રી કરવાની અલગ અલગ પધ્ધતિ છે. વિશ્વમાં સૂર્યની ગતિ પ્રમાણે અને ચંદ્રની ગતિ પ્રમાણે એમ બે રીતે વર્ષ ગણાય છે. સૂર્યની ગતિ પ્રમાણે વર્ષ ગણાય તેના આધારે સોલર કેલેન્ડર અને ચંદ્રની ગતિ પ્રમાણે લ્યુનાર કેલેન્ડર બન્યું છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય ઉત્તર દિશામાં ખસે છે તેથી આ ઘટના સમગ્ર વિશ્વમાં સ્વીકૃત છે. અંગ્રેજી કેલેન્ડરમાં આ વાતને આધાર બનાવાયો છે પણ વિક્રમ સંવત લ્યુનિસોલર છે. મતલબ કે, ચંદ્રની કળા પ્રમાણે દિવસો ગણાય છે જ્યારે વર્ષની ગણતરી સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાના આધારે થાય છે. આ કારણે હિંદુ કેલેન્ડરમાં ચોક્કસ ફોર્મેટ નથી.

આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આવી તો હિંદુ કેલેન્ડરમાં ઘણી બધી બાબતો છે. અંગ્રેજી કેલેન્ડરની જેમ સરળ ને યાદ રહી જાય એવું ફોર્મેટ હિંદુ કેલેન્ડરમાં નથી. તેના કારણે પંચાંગ કે કેલેન્ડરમાં જોઈને ક્યા દિવસે કઈ તિથી છે એ ગોખવું જ પડે. તમે અંગ્રેજી કેલેન્ડરની જેમ મોંઢે કશું ના કહી શકો. અંગ્રેજી મહિનાની જેમ અડધી રાત્રે ઉઠાડીને પણ પૂછો ને તારીખ મોંઢે હોય એવું નથી બનતું.

આપણે ત્યાં જ્યોતિષીઓએ પણ તિથી જોવા માટે પંચાંગ જોવું પડે છે જ્યારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે તારીખ કશું જોયા વિના નાનાં છોકરાં પણ કહી દેતાં હોય છે. નવી પેઢીને જે સરળ હોય એ જીભે ચઢતું હોય છે તેથી અંગ્રેજી કેલેન્ડર તરત જીભે ચઢે છે અને અંગ્રેજી કેલેન્ડર હિંદુ કેલેન્ડર કરતાં વધારે લોકપ્રિય છે.

હિંદુ કેલેન્ડરને લોકપ્રિય બનાવવું હોય તો આ પ્રકારની સરળતા લાવવી પડે.

///////////////////

હિંદુઓને હિંદુ કેલેન્ડર યાદ નથી પણ છતાં હિંદુ કેલેન્ડર સાવ લુપ્ત કે નામશેષ નથી થઈ ગયું. તેનું કારણ એ છે કે, આજે પણ હિંદુ સમાજમાં તો સામાજિક બાબતોમાં હિંદુ કેલેન્ડર ચલણમાં છે જ. બલ્કે વ્યાપક રીતે ચલણમાં છે.

જ્યોતિષને કારણ એ શક્ય બન્યું છે.

ભારતમાં લોકોને જ્યોતિષમાં બહુ શ્રધ્ધા છે તેથી લોકો શુભ કાર્યો કરવા માટે હજુ પણ જ્યોતિષનો સહારો લે છે. લગ્ન, ગૃહ પ્રવેશ સહિતનાં શુભ કાર્યો માટે સારું મુહૂર્ત કે ચોઘડિયું જોવાની પરંપરા હજુય બહુમતી હિંદુ પરિવારોમાં જળવાઈ છે. શુભ કાર્યો માટે દિવસનાં ક્યાં ચોઘડિયાં સારાં છે અને ક્યાં સારાં નથી તેનું લોકો ધ્યાન રાખે છે. કાળ, રોગ, ઉદ્વેગ જેવાં અશુભ મનાતાં ચોઘડિયાંમાં લોકો શુભ કાર્યો કરવું ટાળે છે. તેના બદલે શુભ, શુભ, લાભ, અમૃત જેવાં શુભ મનાતાં ચોઘડિયાંમાં લોકો સારાં કામ કરાવનું પસંદ કરે છે. ચલ મધ્યમ ચોઘડિયું છે તેથી તેમાં ઘણા સારાં કામ કરે ને ઘણા ના કરે.

જ્યોતિષશાસ્ત્રમાં અતિ શુભ મનાતા અખાત્રીજ સહિતના દિવસોએ શુભ કાર્યો કરવાનું પણ વ્યાપક ચલણ છે. તેની સામે કમૂરતાં સહિતના અશુભ ગણાતા દિવસોમાં શુભ કાર્યો કરવાનું પણ લોકો ટાળે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચોક્કસ વાર અને વિશેષ તો ચોક્કસ તિથીએ ઉપવાસ કરવાનું શુભ મનાય છે. ચોક્કસ સમયે ચોક્કસ વિધી કરો તો ફળ મળે, ફાયદો થાય એવી સલાહો પણ જ્યોતિષીઓ આપતા હોય છે. આપણે ત્યાં ધર્મ સ્વાર્થ સાધવાનું માધ્યમ વધારે બની ગયો છે અને જ્યોતિષશાસ્ત્રને ધર્મ સાથે જોડી દેવાયું છે તેથી લોકો સ્વાર્થ ખાતર પણ પોતાને સ્પર્શતી હોય એવી તિથી યાદ રાખતા હોય છે.

આ કારણે હિંદુ કેલેન્ડર સાવ ભૂલાયું કે ભૂંસાયું નથી.

આ સ્થિતી કદી બદલાશે નહીં કેમ કે જીવન હશે ત્યાં સુધી સ્વાર્થ તો રહેશે જ. લોકો પોતાના ફાયદા માટે પણ જ્યોતિષીઓ પાસે જતા રહેશે. જ્યોતિષીઓ પોતાના ફાયદા માટે અલગ અલગ વિધીઓ, અલગ અલગ તિથીએ કરવાનું કહેતા રહેશે તેથી લોકોએ ફરજિયાતપણે તિથીઓ યાદ રાખવી પડશે. એ જ રીતે લોકો શુભ કાર્યો પણ કરતાં રહેશે તેથી પણ તિથીઓ ભૂલાશે નહીં, હિંદુકેલેન્ડર લોકોની સ્મૃતિમાં ભલે ના રહે પણ લોકોના જીવન સાથે તો વણાયેલું જ રહેશે.