(ગતાંકથી આગળ)
સરકાર માન્ય જી.એસ.ટી. અનુસાર વ્યાજબીભાવ, ચોખ્ખા માલ પ્રમાણે પાકુ બીલ આપે. ગ્રાહકોને અન્ય વેપારી કરતાં વ્યાજબીભાવે મળતા માલથી સંતોષ થતો. છૂટક તથા જથ્થાબંધ માલ ખરીદવા ગ્રાહકો આવવા લાગ્યા. નાણા સાચવવા, હિસાબી ચોપડા વગેરે સાચવવા તિજારી રાખી. તેમાં ઘરના ઘરેણા ઉપરાંત રૂપિયાનો સ્ટોક રાખવામાં આવ્યો.
પાંચ વરસ પેઢી સારી ચાલી. તલકચંદને મુનીમજી ઉપર પૂરો ભરોસો. વેપાર કરી જાણ્યો પણ મુનિમજીના વિશ્વાસે વહીવટ તેમને જ સોંપ્યો શેઠાણી ગોદાવરી પણ પતિના વિશ્વાસે મુનીમજીના વિશ્વાસમાં રહ્યાં.
કોઈના બધા દિવસો સરખા જતા નથી. બન્યુ એવું કે તલકચંદની ટૂંકી બિમારીમાં મૃત્યુ થયું. શેઠ તો પત્ની ગોદાવરી તથા બે નાના બાળકો છોડી સ્વર્ગે સિધાવ્યા. ગોદાવરી ઉપર અણધારી આફત અને જવાબદારી આવી પડી. અત્યાર સુધી ન દુકાનમાં ધ્યાન દીધું કે ન વહીવટમાં ધ્યાન દીધું માત્ર ભજન કીર્તન જ કર્યા.
એક દિવસ ગોદાવરીએ રડતા રડતા મુનીમજીને કહ્યું તમારા ભાઇ મને નોધારી મૂકી ચાલ્યા ગયા, બાળકો હજુ નાના છે. વહીવટ બરાબર રાખજા. તમારા ભાઇએ તમને નાનાભાઇ સમજી તમારા ભરોસે વહીવટ સોંપેલો છે. હજુ પણ વહીવટ ચોખ્ખો રાખજા. બાઇજી તેમાં તમે જરાય ચિંતા કરશો નહીં મુનીમજીએ ગળગળા થઇને કહ્યું. શેઠાણીએ પણ મુનીમજી ઉપર અતિ ભરોસો, વિશ્વાસ રાખ્યો.
થોડા દિવસ પછી ગોદાવરી પાસે તિજારીની બીજી ચાવી હતી. રાત્રીના પોતાની નોકર મહિલા સાથે તિજારી તપાસવા ગયા. હિસાબના ચોપડા પ્રમાણે તપાસતાં એક મેથીઘાટનો ત્રણ તોલાનો ચેન ન મળ્યો. હકીકતે શાંતિલાલે તે ચેન પોતાની પત્ની માટે ચોરી લીધેલ તેને એમ હતું કે હવે તો રેઢુ પડ થયું. શેઠ ગયા અને શેઠાણીને કોઇ ગતાગમ નથી.
આ બાજુ ગોદાવરીને ફાળ પડી, નક્કી મુનીમે ગોટાળો કર્યો છે. કારણ કે તેના સિવાય બીજું કોઇ તિજારી ખોલે નહિ.
બીજે દિવસ મુનીમજીને એકલા બોલાવી ચેન વિશે સ્પષ્ટતા કરતા કહ્યું. ‘મુનીમજી તિજારીનો ચોપડો તપાસતા એક મેથીઘાટનો સોનાનો ચેન નથી શું તમે કોઇને વાપરવા આપ્યો છે. અરે બાઇજી ઇ તો તમે તમારા ભાઇના લગ્ન પ્રસંગે લઇ ગયા હતાં. ચોપડામાં તે ઉધારવામાં ભૂલી ગયેલો. મેં વળી તારીખ-વારની નો નોંધ કરી એટલી મારી ભૂલ.
શાતિલાલ ઇ તમારી વાત ખોટી છે હું માત્ર હાર જ પેરી ગઇ હતી. તમે જ ચેનમાં કપટ કર્યું છે. આમ બંને વચ્ચે રકજક ચાલી અને ગોદાવરીએ દોષનો ટોપલો મુનીમજી ઉપર ઢોળી દીધો.
ત્યારબાદ જન્માષ્ટમી તહેવારે શાતિલાલની પત્ની તે સોનાનો ચેન પેરીને મેળામાં ગઇ. તેને એમ હતું કે શેઠાણી તો માવતર ગઇ છે. એટલે ચેન ભાળશે નહીં.
હકીકતે તે દિવસે શેઠાણીના ભાભી સામેથી ગોદાવરીને મળવા આવેલ. શેઠાણી અને તેના ભાભી પણ મેળામાં આવેલા. શેઠાણીએ જાતા જ મુનીમજીના પત્નીએ જલ્દી માથા પરથી સાડી નીચે ઉતારી ગળા ફરતે વીંટાળી દીધી જેથી ચેન દેખાય નહીં. ‘મોટાભાઇ છે, લાજ કાઢય.’ શાંતિલાલે કહ્યું. લાજ કાઢવા સાડી માથા પર ઓઢવા જતા પેલો ચેન ખુલ્લો થયો. ઇ ચેન શેઠાણી ઓળખી ગઇ. શાંતિલાલ મારો ચેન તો તમારી ઘરવાળીએ પેહેર્યો છે. તમે કેતા હતાને કે તમે તમારા ભાઇના લગ્ન પ્રસંગે લઇ ગયા હતાં. શેઠાણીએ તાડુકીને કહ્યું. સત્યનો રણકો કોઇ ઓર જ હોય છે.
શાંતિલાલ ઝંખવાણો પડી ગયો. કાપો તો ય લોહી ન નીકળે. મારી ભૂલ થઇ ગઇ. મને માફ કરો. આવી ભુલ હું કદી નહિ કરૂં અને શાંતિલાલ મેળામાં બધા વચ્ચે ચોધાર આંસુએ રડી પડયો. શેઠાણી આગળ પૂળો પડે તેમ ઢળી પડયો. મોટાભાઇને ભાઇના કરતૂત પ્રત્યે ભારે દુઃખ થયું. તેજ ઘડીએ શાંતિલાલના પત્નીએ તરત ગળામાંથી ચેન કાઢી શેઠાણીને ધર્યો. શેઠ-શેઠાણીના વિશ્વાસ ઉપર પાણી ફરી વળ્યું. ત્યાર બાદ બીજે દિવસે જ વિશ્વાસઘાતી શાંતિલાલને પાણીચું આપી નોકરીમાંથી છૂટો કર્યો.