સુરત ગ્રામ્યમાંથી ફરી એકવાર મોટી માત્રામાં બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો છે. ગત મોડી રાત્રે માંડવી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ જગ્યા પર ૧૦ મહિના અગાઉ ગુજરાતનું સૌથી મોટું બાયો ડીઝલ નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે ૧.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરત ગ્રામ્યમાંથી ફરી એકવાર મોટી માત્રામાં પ્રતિબંધિત બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. માંડવી તાલુકાના કરંજ જીઆઈડીસીની એક મિલમાંથી મોટી માત્રામાં બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. માંડવી પોલીસે બાતમીના આધારે ગત મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. મિલમાં ઓઈલ બનાવવાના નામ પર બાયો ડીઝલનો વેપાર કરવામાં આવી રહ્યો હતો. આ જગ્યા પરથી ૧૦ મહિના પહેલાં સ્ટેટ વિજીલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ૪ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ફરીથી એ જગ્યા પર બાયો ડીઝલનો વેપલો શરુ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ૧.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો છ લોકોની ધરપકડ કરી છે. જો કે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે.
જોકે મિલના સંચાલકોએ સમગ્ર બાબતે વારંવાર થતી દરોડાની કાર્યવાહીને એક ષડયંત્ર ગણાવ્યું હતું. સંચાલકો પૈકી મહિલા સંચાલકે મિલ પર એક પણ લીટર બાયો ડીઝલ નહીં હોવાનું જણાવ્યું હતું.
જોકે સમગ્ર મામલે હાલ પોલીસે ઘટના સ્થળ પરથી ૨ ટેન્કર તેમજ હજોરો લીટર શંકાસ્પદ પ્રવાહી જપ્ત કર્યું છે. માંડવી પુરવઠા વિભાગ તેમજ જીપીસીબીને જોણ કરવામાં આવી હતી. એફએસએલ દ્વારા હાલ તમામ પ્રવાહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ પ્રવાહીના સેમ્પલને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.