દિલ્હી હાઈકોર્ટે સલમાન ખુર્શીદના નવા પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યા પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દેતા કહ્યું છે કે, જો પુસ્તક વાંચીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો કંઈક સારું વાંચો. અરજદારે પોતાની અરજીમાં કહ્યું છે કે ખુર્શીદે તેમના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યાઃ નેશનહુડ ઇન અવર ટાઈમ્સમાં હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા આતંકવાદી જૂથોના જેહાદી ઈસ્લામ સાથે કરી છે.
કોર્ટે ખુર્શીદના પુસ્તકના પ્રકાશન અને વેચાણ પર પ્રતિબંધની માંગણી કરનાર અરજીકર્તાને કહ્યું હતું કે પુસ્તક પર પ્રતિબંધ મૂકવાને બદલે તમે લોકોને તેમનું પુસ્તક ન ખરીદવા કે વાંચવા કેમ નથી કહેતા? કોર્ટે કહ્યું કે બધાને કહો કે આ પુસ્તક સારું નથી અને તેને વાંચશો નહીં. જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે કંઈક સારું વાંચી શકે છે.
અરજદારે કોર્ટમાં કહ્યું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થવો જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિને અન્યની લાગણીઓનું ઉલ્લંઘન કરવાનો અધિકાર નથી. અરજદારે રજૂઆત કરી હતી કે પુસ્તકે કલમ ૧૯ માં સમાવિષ્ટ વાજબી નિયંત્રણોનું ઉલ્લંઘન કર્યું છે. ધ સેફ્રોન સ્કાય નામના પ્રકરણના વિવાદ પર કોર્ટે કહ્યું કે આ મામલો પુસ્તકના એક ભાગનો છે, સમગ્ર પુસ્તકનો નહીં. કોર્ટે કહ્યું કે જો તમે પ્રકાશકનું લાઇસન્સ રદ કરવા માગો છો તો તે અલગ બાબત છે. આખું પુસ્તક અમારી સમક્ષ મૂક્યું નથી, તે માત્ર એક ભાગ છે. તમને જણાવી દઈએ કે વિવાદ આ પુસ્તકના ધ સેફ્રોન સ્કાય નામના પ્રકરણને લઈને છે, જેના વિશે અરજદારની દલીલ છે કે હિંદુ ધર્મની સરખામણી આઇએસઆઇએસ અને બોકો હરામ સાથે કરવામાં આવી છે.