રૂક જાના નહીં કહીં હાર કે
કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે
ઓ રાહી ઓ રાહી….
વિદ્યાર્થીના હાથમાં પુસ્તક છે. અને આંખોમાં રાતભરના ઉજાગરા છે. મમ્મી ચૂપચાપ બેઠી છે. પપ્પા ઓફિસમાંથી પોતાનું કામ ઝટપટ પૂરું કરીને ઘરે આવી જાય છે. ઘરમાં નીરવતા વ્યાપી છે. આવનાર મહેમાનને પણ બને તેટલા ઈશારાઓમાં વાત કરવાનું કહેવામાં આવે છે. નાની બહેનને જો રડવું આવે તો ડુસકા ભર્યા વગર જ રડવાનું કહેવામાં આવે છે. લગ્ન, જન્મ-દિવસની પાર્ટી કે સમારંભમાં જવાનું બંધ. ટીવી બંધ. વાતો બંધ. માત્ર આ ઘરમાં શ્વાસ લેવાનું શરુ છે…(જીવિત રહેવા માટે, નહીતર એ પણ બંધ કરી દે. આ બાબાનું ઘર છે કાઈ નક્કી નહિ.) એ પણ ધીરે ધીરે..  કારણ; બાબાનું બારમું છે. પરંતુ આપ ગંભીર ન બનશો. બાબાનું બારમું એટલે બારમું ધોરણ. બોર્ડનું વર્ષ છે. એટલે આટલી (બકવાસ) શાંતિ તો ઘરમાં હોવી જ જોઈએ. તો જ બાબો બોર્ડમાં કાંઈક ઉકાળે.
આ વાત માત્ર એક ઘરની કહી.. પરંતુ આવી સ્થિતિ હજારો ઘરમાં હશે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ, અને પરિણામ આવ્યું.તરત મનમાં ખજવાળ આવી કે બાબાનું શું થયું હશે ? એટલે એ બાબાના પપ્પાને ફોન જોડ્યો… તો સામે છેડેથી જવાબ આવ્યો કે “બાબો ત્રણ વિષયમાં ફેલ થયો છે.” ઓ તારી ભલી થાય…! માતા પિતાનો આટલો પ્રયાસ, આટલો સંયમ, માતા પિતાની ટ્રકભરીને કાળજી, તોય બાબો રીક્ષાભરીને માર્ક્સ ન લાવી શક્યો. અરે લારીમાં ભરીને લાવી શકાય એટલા માર્ક્સ પણ ન આવ્યા. માર્ક્સ આવ્યા ચણી બોર જેટલા.. માર્ક્સ આવ્યા પોલીયાની બે બુંદ જેટલા..! કારણની ગહરાઈ સુધી જવાનું મન થયું..
કારણ, બાબાના ઘરનું સોગીયું વાતાવરણ. કારણ, બાબાના ઘરમાં તમામનું તોબડું ચડાવેલું મો. કારણ, હસવાનું બંધ અને બેસણામાં વ્યાપી હોય તેવી બાબાના ઘરની નીરવતા છેલ્લા એક વર્ષથી હતી. કારણ; બાબાના ખભા પર મમ્મી પપ્પા અને તમામ સગાવહાલાંની અપેક્ષાઓનો ભાર. કારણ, સંગીત નહિ, સ્વાદ નહિ, સંવાદ નહિ, સહૃદયતા નહિ… છે તો શુષ્કતા.. છે તો સ્મશાની શાંતિ… છે તો વ્યાકુળતા… છે તો હવે શું થશે… છે તો વિચારોમાં શૂન્યવકાશ… છે તો વ્યગ્રતા… હવે તમે જ કહો આમાં બાબો શું બાફે ?
ખેર, બાબો અત્યારે ઘરની બહાર નથી નીકળતો. બાબો સુનમુન.. બાબાના પપ્પાને કોઈ પાપ થયું હોય તેમ પડોશી બહાર નથીને ? એ તપાસીને ઓફિસે જાય છે. બાબાના મમ્મીએ શાકભાજી લેવાની જગ્યા બદલી છે. સગા-વહાલા ફોન રીસીવ કરવામાં નથી આવતા. અને પડોશી સાથે આંખો પણ મેળવાતી નથી. બાબો સુનમુન. હવે બાબો શું કરશે ? આજે પણ અભિમન્યુના કોઠા વીંધવાનાં હોય એમ વ્યુ રચના ઘડવામાં આવે છે. આંખો નીચે કાળા કુંડાળા સાગમટે ઘરે આવ્યા છે.  નાની દીદી પણ હવે ગંભીરતા રાખવાનું શીખી ગઈ છે. નાનકીને બહુ ખબર નથી પડતી, પરંતુ એટલી સમજ પડી છે કે અત્યારે મારે મમ્મીની જેમ મો ફુલાવીને ઘરમાં રહેવાનું છે.
શા માટે ? શા માટે ? એક કાગળિયાં માટે આટલો ખાલીપો.. આવા કેટલાય ઘર છે કે જેના ઘરમાં દરેક સભ્યના મગજમાં ખાલી ચડી છે.!
જો તમે કોઈ ધાર્મિક કાર્ય કરવા માગતા હોવ તો આ એક રૂડું ધાર્મિક કાર્ય છે. કે આવા ઘરમાં જઈને બધાને સમજાવો કે સફળતા પાસ નાપાસમાં નથી સમાણી. સફળતા ગોખવામાં નથી બંધ થઈ. સફળતા બંધ બારણાઓમાં ખોળવાથી નહિ મળે. સફળતા હાર્ડ વર્કથી નહિ સ્માર્ટ વર્કથી મળશે. સફળતા દિમાગને હલકું ફૂલકું રાખવાથી મળશે. હસો… ખુબ હસો… તમને જો આવડતું હોય તો આવા ઘરમાં જઈને બધાને હસાવો. ખુબ મોટું ધાર્મિક કાર્ય છે. ખુબ મોટું અનુદાન છે. અને બાબાના ઘર જેમ હોય તો એને સાંત્વના આપીને બહાર લાવો. અરે નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. કેમ ભૂલી જવાય છે? હજારો નિષ્ફળતામાં એક અમર આશા છુપાયેલી છે.. કેમ વિસરી જવાય છે? એવું સમજાવીને આખા પરિવારને ઝૂમવાનું શીખવો. સચિન દસમાં ધોરણમાં ફેલ છે છતાં તેની વાત દસમાં ધોરણમાં આવે છે. લત્તા મંગેશકરે તો પ્રાથમિક શિક્ષણ પણ પૂરું લીધું નથી. શું આવા લોકો ઘરમાં ભરાઈને બેસી રહ્યા હોય તો ?  ક્યારે વિનિંગ સિક્સર જોવા મળેત ? લેટ્સ ગેટ અપ… જે થયું છે તેને ભૂલી જાઓ. અસફળતા એક ચૂનોતી છે, શું ભૂલ રહી છે તેને તપાસો. અને ફરી બમણા વેગ સાથે પ્રયાસ કરો.