રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઇમારતના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્થિતિની ગુજરાત હાઇકોર્ટે સૌથી મહત્વપૂર્ણ અને ગંભીર નોંધ લીધી છે.
છોટાઉદેપુરના વાગલવાડાની સ્કૂલનું બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ ખુલ્લામાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ આપેલા ‘અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણર્તા નિવેદનને હાઇકોર્ટે શરમજનક ગણાવ્યું છે તેમજ રાજ્ય સરકારને નોટિસ પાઠવી શિક્ષણ વિભાગના એડિશ્નલ સેક્રેટરીથી ઉપરની કક્ષાના અધિકારીને કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ હાજર રહી રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે.
એક અંગ્રેજી અખબારમાં છોટાઉદેપુર જિલ્લાની એક સ્કૂલના વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેને લઇને જસ્ટિસ પારડીવાલા અને નિરલ મહેતાની ખંડપીઠે ગંભીર નોંધ લેતા સુઓમોટો દાખલ કરી છે. આ બાબતે હાઇકોર્ટે બાળકોને ભણતરની સમસ્યાનો મુદ્દો ગંભીર હોવાનું અવલોકન કર્યું છે કે શિયાળાની ઠડીમાં સ્કૂલની તૂટેલી ઇમારતને કારણે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બને એ ચલાવી લેવાય નહીં, કારણ કે ખુલ્લામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસે ઠંડીથી બચવા માટે પૂરતાં કપડાં પણ નથી.
આ બાબતે હાલની સ્કૂલનું નવું બિલ્ડીંગ ૬ મહિનામાં બનાવવા સરકારને વચગાળાનો હુકમ કર્યો છે. સાથે જ શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરીથી ઉપરના અધિકારીને કોર્ટમાં રૂબરૂ હાજર રહી આગામી મુદતે આ અંગેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. સાથે જ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એડિશનલ સેક્રેટરીને પણ આગામી સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચ સમક્ષ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે.