શહેરની વિશ્વામિત્રી નદીમાંથી એક છોકરીનો મૃતદેહ મળ્યો છે. સયાજીગંજ પોલીસે મૃતદેહને બહાર કાઢીને તેની ઓળખના પ્રયાસ હાથ ધર્યા છે. હાલ આ દીકરીએ આપઘાત કર્યો છે કે તેની કોઈએ હત્યા કરી છે તે અંગેની તપાસ થઈ રહી છે. જાકે, છોકરીનું મૃત્યું કયા કારણોસર થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે બાદ જ જાણ થઈ શકે છે.આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરમાં ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં એક છોકરીની લાશ તરી રહી હોવાનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર જઈને મૃતદેહ બહાર કાઢ્યો હતો. સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ તથા ડી.એન.એ. ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલલમાં મોકલી આપી છે. હજી સુધી યુવતીની ઓળખ થઈ શકી નથી. શરીર પર ઇજાના નિશાન છે. પરંતુ, તે ઇજા કયા પ્રકારની છે. તે અંગે પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જાણ થશે. પોલીસે બ્રિજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. યુવતી કઈ રીતે નદી સુધી પહોંચી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતીએ આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરીને લાશ નદીમાં ફેંકી દેવામાં આવી છે. તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.ડીસીપી, મનજીતા વણઝારાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, લાશની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ પ્રારંભિક તબક્કામાં આ મૃતદેહ કિશોરીનો (ટીનેજર) હોય તેમ લાગી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યાર પછી જ નક્કી થશે કે આ આપઘાતનો બનાવ છે કે કોઈએ હત્યા કરી છે. હાલ આ અંગેની તપાસ ચાલી રહી છે. તેની ઓળખ થાય તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.શહેરમાં બે દિવસ પહેલા પણ એક યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતુ. વડોદરા શહેરમાં નેન્સી નામની યુવતીએ ભાવેશ નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા હતા. જે બાદ તેઓ બંને સાથે રહેતા હતા. જે દરમિયાન યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. જેનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલલ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બંનેના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીના દ્રશ્યો જાવા મળ્યા હતા. યુવતીના પરિવારનો આક્ષેપ છે કે, યુવતીના ગળા તેમજ શરીરના અન્ય ભાગો પર ઈજાના નિશાન છે. જે કારણે તેની હત્યા થઈ હોવાની શંકા છે. આ મામલે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. હાલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જાવાઈ રહી છે. જે બાદ મોતનું સાચું કારણ સામે આવશે.








































