સંસદનું શિયાળુ સત્ર આજે સમાપ્ત થઈ ગયું છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી નિર્ધારિત સમય કરતાં એક દિવસ પહેલાં જ સ્થગિત કરી દેવાઈ છે. શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરે શરૂ થયું હતું, જે ૨૩ ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને ગૃહોમાં સતત હોબાળાને કારણે સત્ર વહેલું સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિપક્ષના હોબાળા છતાં કેટલાક મહત્વના બિલ ગૃહમાં પાસ કરવામાં આવ્યા હતા.

વોટર આઇડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેનું બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષે બિલના વિરોધમાં વોકઆઉટ કર્યું હતું, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયને પત્રકારોના ટેબલ પર રૂલબુક ફેંકી, જેના પગલે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ચૂંટણી કાયદા સંશોધન બિલ, ૨૦૨૧ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. તેમાં મતદાર યાદીમાંથી ડુપ્લિકેશન દૂર કરવાની જાગવાઈઓ છે. ગૃહમાં વિપક્ષ દ્વારા આ બિલનો જારદાર વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતાઓએ ગૃહમાં તેની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માગ કરી હતી. બિલને સમર્થન આપતા અનેક પક્ષોના સભ્યો સાથે એક કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ આખરે તેને પસાર કરવામાં આવ્યું હતું.

રાજ્યસભાના સસ્પેન્ડ કરાયેલા ૧૨ સાંસદોના મુદ્દે વિપક્ષ અડગ રહ્યો. વિપક્ષી નેતાઓએ કહ્યું કે સસ્પેન્શન ગેરબંધારણીય છે. સસ્પેન્ડેડ સાંસદો પણ દરરોજ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા પાસે ધરણા કરી રહ્યા હતા. નોંધનીય છે કે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આ સાંસદોને ચોમાસુ સત્ર દરમિયાન બેફામ વર્તન બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે સસ્પેન્ડ કરાયેલા સાંસદોના નામની જાહેરાત કરી હતી. જેમાં કોંગ્રેસના ૬ સાંસદોનો સમાવેશ થાય છે, જેમાં ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહ સામેલ છે. મમતા બેનર્જીની પાટીના ટીએમસીથી ડોલા સેન અને શાંતા છેત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય શિવસેના તરફથી પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે જ સમયે, સીપીએમના એલારામ કરીમ અને સીપીઆઇના બિનોય વિશ્વમ પણ સસ્પેન્ડેડ સાંસદોની યાદીમાં સામેલ છે.

લખીમપુર ખીરી કેસમાં વિપક્ષ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માગ કરી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર ટેનીને બચાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટેનીના રાજીનામાનો મુદ્દો સતત ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર આ અંગે ચર્ચાથી ભાગી રહ્યું છે. ટેનીના રાજીનામાને લઈને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવામાં આવી હતી.જા કે, વિપક્ષના હોબાળા વચ્ચે પણ સદનમાં કેટલાય બિલ મોદી સરકારે પાસ કરી નાખ્યા હતા.