મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આઈપીએલ ૨૦૨૨માં ૧૯.૧૪ની એવરેજથી માત્ર ૨૬૮ રન બનાવી શક્યો હતો. આ દરમિયાન આ સ્ટાર ખેલાડીના બેટમાંથી એક પણ અડધી સદી નીકળી નથી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આઇપીએલ ૨૦૨૨નો અંત ખૂબ જ નિરાશાજનક રીતે કર્યો. શનિવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રોહિત શર્મા ૧૩ બોલમાં માત્ર ૨ રન બનાવી શક્યો હતો. રોહિત ઝડપી બોલર એનરિક નોર્કિયાએ શાર્દુલ ઠાકુરના હાથે કેચ આઉટ થયો હતો.
મુંબઈ સામે ૨ રને આઉટ થતાની સાથે જ રોહિત શર્માએ તેની આઇપીએલ કરિયરમાં શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્મા તેની આઇપીએલ કારકિર્દીમાં પ્રથમ વખત કોઈ પણ સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આઇપીએલ ૨૦૨૨ માં, રોહિતે ૧૪ મેચોમાં ૧૯.૧૪ ની સરેરાશથી કુલ ૨૬૮ રન બનાવ્યા. આ દરમિયાન રોહિતનો સ્ટ્રાઈક રેટ ૧૨૦.૧૮ છે અને સર્વશ્રેષ્ઠ સ્કોર ૪૮ રન છે. આઇપીએસ ૨૦૦૮ની સિઝનથી આઇપીએલમાં ભાગ લેનાર રોહિતે આ પહેલા દરેક સિઝનમાં ઓછામાં ઓછી એક અડધી સદી ફટકારી હતી.
આટલું જ નહીં, રોહિત શર્માએ બીજી વખત આઇપીએલ સિઝનમાં ૩૦૦થી ઓછા રન બનાવ્યા છે. ૨૦૧૮ની સિઝનમાં, રોહિત શર્માએ ૧૪ મેચોમાં ૨૩.૮૩ની એવરેજથી ૨૮૬ રનનું યોગદાન આપ્યું હતું. ઉપરાંત, ૨૦૧૮ પછી આઇપીએલની વર્તમાન સિઝનમાં રોહિત શર્માની બેટિંગ એવરેજ (૧૯.૧૪) તેની આઇપીએલમાં અત્યાર સુધીની સૌથી ખરાબ હતી. અગાઉ આઇપીએલ ૨૦૧૭માં રોહિત શર્માએ ૧૭ મેચમાં ૨૩.૭૮ની એવરેજથી ૩૩૩ રન બનાવ્યા હતા.
આઇપીએલમાં રોહિત શર્મા (સૌથી ખરાબ સરેરાશ)ઃ
૨૦૨૨- ૧૪ મેચોમાં ૨૬૮ રન, ૧૯.૧૪
૨૦૧૭- ૧૭ મેચોમાં ૩૩૩ રન, ૨૩.૭૮
૨૦૧૮- ૧૪ મેચોમાં ૨૮૬ રન, ૨૩.૮૩
૨૦૨૦- ૧૨ મેચોમાં ૩૩૨ રન, ૨૭.૬૬
૨૦૦૯- ૧૬ મેચોમાં ૩૬૨ રન, ૨૭.૮૪
મુંબઈનો પણ શરમજનક રેકોર્ડ
આઇપીએલની વર્તમાન સિઝનમાં રોહિત શર્માનો કેપ્ટનશિપનો રેકોર્ડ પણ ઘણો શરમજનક રહ્યો છે. રેકોર્ડ પાંચ વખતની આઇપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તેની શરૂઆતની ૧૩ મેચમાંથી માત્ર ચાર જ જીતવામાં સફળ રહી હતી. તે જ સમયે, ટીમને ૯ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.આઇપીએલના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સ એક સિઝનમાં નવ મેચ હારી છે.
મુંબઈ ઈન્ડિયન્સ અગાઉ ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૮ આઈપીએલ સિઝનમાં આઠ-આઠ મેચ હારી હતી. જ્યારે ૨૦૧૨, ૨૦૧૬ અને ૨૦૨૧ની સિઝનમાં તેને ૭-૭ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૨ની શરૂઆત થવામાં હવે વધુ સમય બાકી છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી શકે છે.