રોહિત શર્માએ કેપ્ટન તરીકે શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ બીજી ટી ૨૦માં ન્યૂઝીલેન્ડને ૭ વિકેટે હરાવ્યું. આ સાથે ટીમે ૩ મેચની સીરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માએ મેચમાં ૫૫ રન બનાવ્યા હતા. મેચમાં પહેલા રમતા ન્યુઝીલેન્ડે ૧૫૩ રન બનાવ્યા હતા. ટીમે ૧૭.૨ ઓવરમાં ૩ વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેએલ રાહુલે પણ અડધી સદીની ઇનિંગ રમી હતી. સિરીઝની છેલ્લી મેચ ૨૧ નવેમ્બરે કોલકાતામાં રમાવાની છે. રોહિતે આ મેચમાં ૬ મોટા રેકોર્ડ બનાવ્યા.
પહેલો રેકોર્ડ: ૨૯મી વખત ૫૦ થી વધુનો સ્કોર: મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. તેણે ટી ૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ૨૯મી વખત ૫૦થી વધુ રન બનાવ્યા. આ એક રેકોર્ડ છે. વિરાટ કોહલીએ પણ સૌથી વધુ ૨૯ વખત આ કારનામું કર્યું છે. રોહિતે ૪ સદી અને ૨૫ અડધી સદી ફટકારી છે. કોહલી અત્યાર સુધી સદી ફટકારી શક્યો નથી.ટી ૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો વર્લ્‌ડ રેકોર્ડ રોહિતના નામે જ છે.
બીજો રેકોર્ડ: કેએલ રાહુલ સાથે ૫મી સદીની પાર્ટનરશિપ: રોહિત શર્મા અને કેએલ રાહુલે મેચમાં સદીની પાર્ટનરશિપ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૧૧૭ રન જોડ્યા હતા. આ બંને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની ૫મી સદીની પાર્ટનરશિપ છે. આ પણ એક રેકોર્ડ છે. પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પણ જોડી તરીકે ૫ વખત સૌથી વધુ સદીની પાર્ટનરશિપ કરી છે.
ત્રીજો રેકોર્ડ: ૪૫૦ સિક્સર મારનાર પ્રથમ ભારતીયઃ રોહિત શર્માએ મેચમાં ૫ સિક્સર ફટકારી હતી. તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪૫૪ છગ્ગા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪૫૦ છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બન્યો છે. વિશ્વના માત્ર ત્રણ ખેલાડીઓ જ આ કરી શક્યા છે. રોહિત પહેલા પાકિસ્તાનના ક્રિસ ગેલ અને શાહિદ આફ્રિદી પણ આ કરી ચુક્યા છે.
ચોથો રેકોર્ડ: ૨૫મી વખત જીતવા માટે ૫૦થી વધુ રન બનાવ્યા: રોહિત શર્મા ટી ૨૦ ઈન્ટરનેશનલમાં ૫૦થી વધુ રન બનાવીને ટીમને ૨૫મી વખત જીત અપાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ત્રણ વખત સદી અને ૨૨ અડધી સદી ફટકારીને આવું કર્યું છે. વિશ્વનો અન્ય કોઈ ખેલાડી આવું કરી શક્યો નથી. વિરાટ કોહલી ૨૦ વખત આ કારનામું કરીને બીજો નંબર પર છે.
પાંચમો રેકોર્ડઃ ખેલાડી તરીકે ૧૩મી વખત સદીની પાર્ટનરશિપ: રોહિત શર્માએ ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૧૩ વખત ખેલાડી તરીકે ૧૦૦થી વધુ રનની પાર્ટનરશિપ કરી છે. આ પણ એક રેકોર્ડ છે. તેણે કેએલ રાહુલ સાથે ૫ વખત, શિખર ધવન સાથે ૪ વખત, વિરાટ કોહલી સાથે ૩ વખત અને સુરેશ રૈના સાથે એક વખત ૧૦૦થી વધુ રન ઉમેર્યા છે.
છઠ્ઠો રેકોર્ડઃ સૌથી ઓછી મેચોમાં ૧૦મી જીત:રોહિત શર્મા એક કેપ્ટન તરીકે ઘરઆંગણે સૌથી ઓછી મેચોમાં ૧૦ જીત મેળવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ૧૧માંથી ૧૦ ટી૨૦ મેચ જીતી છે. વિરાટ કોહલી અને એમએસ ધોનીને અહીં સુધી પહોંચવામાં ૧૫થી વધુ મેચ લાગી.