ગુજરાતમાં નકલીની પરાકાષ્ઠા સામે આવી છે. ગાંધીનગર ઇન્ફોસિટીમાં ઓફિસ ધરાવતાં દંપતીના નકલીના ખેલનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરના ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપાલિટીના નામે નકલી ટેન્ડર બતાવીને ૧.૯૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી વેપારીઓને મોટો આર્થિક ચુનો લગાવ્યો છે.ગાંધીનગરના સેક્ટર-૨૩માં રહેતા એક દંપતીએ તાપી રિવરફ્રન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નકલી ટેન્ડર બહાર પાડી વેપારીઓ પાસેથી રૂપિયા પડાવ્યા. મળતી માહિતી મુજબ, દંપતીએ સુરત શહેરના ત્રણ વેપારીઓને તાપી રિવરફ્રન્ટના બ્યુટિફિકેશન માટેનો કોન્ટ્રાક્ટ મળ્યાનું કહી વિશ્વાસમાં લીધા હતા. દંપતીએ ખોટા દસ્તાવેજા બતાવી ટેન્ડર પાસ થયાનો દાવો કર્યો અને રોકાણના નામે રૂપિયા પડાવ્યા. વેપારીઓ પાસેથી તબક્કાવાર રીતે આશરે ૧.૯૦ કરોડ રૂપિયાથી વધુની રકમ વસૂલીને છેતરપિંડી આચરી.આ દંપતીએ માત્ર તાપી રિવરફ્રન્ટ જ નહીં, પરંતુ રાણકી વાવ અને શિવરાજપુર બીચ જેવા અન્ય જાણીતા સ્થળોના નામે પણ વેપારીઓ પાસેથી પૈસા ખંખેર્યા હતા. દંપતીએ આ તમામ સ્થળોના બ્યુટિફિકેશન અને સજાવટના ખોટા કોન્ટ્રાક્ટના દસ્તાવેજા બતાવીને લોકોને વિશ્વાસમાં લીધા હતા. મૂળ ગાંધીનગરના આ દંપતીએ ઈન્ફોસિટીમાં ઓફિસ રાખી હતી, જ્યાંથી તેઓ આ આખો સ્કેમ ચલાવતા હતા. ઓફિસની આડમાં તેઓ ટેન્ડરના ખોટા કાગળો તૈયાર કરી વિવિધ વેપારીઓને બતાવતા અને તેમને નાણાં રોકવા માટે પ્રેરિત કરતા હતા.સુરતના ત્રણ વેપારીઓ આ દંપતીની વાતોમાં આવી ગયા અને તબક્કાવાર રૂપિયા આપ્યા. બાદમાં ખબર પડી કે જે ટેન્ડર બતાવવામાં આવ્યા હતા તે સંપૂર્ણ નકલી હતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે તેનો કોઈ સંબંધ જ નહોતો. જણાવી દઈએ કે અગાઉ પણ આ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજારત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નકલી સરકારી ટેન્ડર બતાવીને ૨૦ કરોડ રૂપિયાથી વધુ રકમની ઠગાઈ કરી હતી. આ ઠગ દંપતીએ અત્યાર સુધીમાં કુલ ૨૨.૬૦ કરોડ રૂપિયા પડાવ્યા છે.







































