રાજુલામાં મારૂતિ ધામ ભક્ત મંડળ અને આરાધના ગૃપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન શિવ રામેશ્વર મહાદેવ મંદિરે ૧૧૧૧ બિલ્વપત્ર દ્વારા સમૂહમાં પૂજા, સ્વચ્છતા ઝૂંબેશ સહિત મારૂતિધામ અન્નક્ષેત્રના મહંત પ્રભુદાસ બાપુની આગેવાનીમાં સુંદર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુ.ખુશાલી જાષી ટીમ આરાધના
ગૃપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સેવાભાવી ભાસ્કરભાઈ ભટ્ટ અને નિવૃત આચાર્ય પ્રવિણભાઈ જાનીનું સન્માન કરાયું હતું. બાદમાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી વંદના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ નગરપાલિકા સભ્ય વિજયાબેન બારૈયા, રામજીભાઈ ટાંક, સાહિત્યકાર જસુભાઈ દવેએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ભુપતભાઈ સોની, ધર્મેન્દ્રભાઈ જાષી, નિરવભાઈ જાની, નાથાભાઈ, કે.જી.ગોહિલ સહિતે જહેમત ઉઠાવી હતી.