ગુજરાત રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી હેઠળના અમરેલી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઇ કૃષિ વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવા માટે કૃષિવિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી ખેડૂતોને સારૂ અને ગુણવત્તાયુક્ત બિયારણ આપવા સમર્થ બન્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતા કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના ખેડૂતોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાય આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ઝુંબેશ શરૂ કરી છે. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતમિત્રોએ કૃષિમંત્રી સાથે સંવાદ કરી કૃષિમંત્રી સમક્ષ પોતાના અનુભવો જણાવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળી રહેલા લાભો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. એન. કે. ગોંટીયા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ. એમ. ગાજીપરાએ પ્રાસંગિક ઉદબોધન કરી કૃષિ યુનિવર્સિટી વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
કૃષિમંત્રી પટેલ અને મહાનુભાવોના હસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા એચીવમેન્ટ એન્ડ એન્ડેવર રીપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, જલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, બાવકુભાઈ ઉંધાડ, કૃષિ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો. વી. એન. ગોહિલ તેમજ કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત અને અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા પ્રગતિશીલ ખેડૂતમિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.