શહેરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગર-૨માં રહેતા કપિલભાઇ ચૌહાણની ૧૦ વર્ષની પુત્રી ખુશાલીએ ઘરમાં જ ગળાફાંસો ખાધો છે. આ જોતા પરિવારજનોએ તેને સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જોહેર કરી હતી. બનાવની જોણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કપિલભાઇના જણાવ્યા પ્રમાણે, તેમને સંતાનમાં બે દીકરી, એક દીકરો છે. ૧૦ વર્ષની ખુશાલી સૌથી મોટી હતી અને ધો.૫માં ભણતી હતી. પત્ની બહાર કામ કરે છે. આ પરિવાર તેમના સંબંધીને ત્યાં માંગલિક પ્રસંગ હતો તેમા ગયા હતા. મોટી દીકરીએ ત્યાં આવવાની ના પાડી હતી. જેથી તેઓ એને લીધા વગર ગયા હતા.
આ પરિવાર પ્રસંગ પતાવીને બપોરે આશરે સડા ત્રણ કલાકે ઘરે આવ્યા હતા. ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ દીકરીએ ખોલ્યો ન હતો. જેથી ઘરની પાછળની બારીમાંથી જોતા ખુશાલીને લટકતી હાલતમાં જોઇ હતી. જે બાદ દરવાજો તોડીને દીકરીને સારવાર માટે લઇ ગયા હતા. જોકે, હોસ્પિટલના ડોક્ટરે તેને મૃત જોહેર કરી હતી. આ સમાચાર સાંભળતા જ માતા પિતા પર દુખનો પહાડ જોણે તૂટી પડ્યો હતો. હાલ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આવો જ એક બનાવ ગાંધીધામમાં પણ બન્યો હતો. ગાંધીધામના ખોડીયારનર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય તરુણી કોમલબેન રતીલાલ મકવાણાએ ૧૧/૧૨ના સવારના અરસામાં કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આટલી નાની ઉંમરમાં અંતિમ પગલું શા માટે ભરાયું તેની તપાસ કરવા પોલીસે અકસ્માત મોત નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.