રશિયાએ પોતાના ૧૦૩ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિદેશી દેવા મામલે ડિફોલ્ટ જોહેર કર્યું છે. આ ઘટના છેલ્લા ચારેક મહિનાથી યુક્રેન સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની રશિયન અર્થતંત્ર પર શું અસર પડી તેનો પુરાવો કહી શકાય.
યુક્રેન સાથેના યુદ્ધ બાદ અમેરિકા સહિતના તમામ પશ્ચિમી દેશોએ રશિયા સાથેના વ્યાપાર પર પ્રતિબંધ જોહેર કર્યો છે. ગ્લોબલ માર્કેટમાં ડોલરની લેવડ-દેવડ પર લગાવાયેલા પ્રતિબંધ બાદ રશિયાએ પોતાની સ્થાનિક મુદ્રા રૂબલ દ્વારા ચુકવણી કરવા માટે જણાવ્યું હતું પરંતુ અમેરિકાના પ્રભાવમાં અન્ય દેશોએ તે વાતને ઠુકરાવી દીધી હતી.
રશિયાએ ગત ૨૭ મેના રોજ વિદેશી દેવાના વ્યાજના રૂપમાં ૧૦ કરોડ ડોલરની ચુકવણી કરવાની હતી જેના પર એક મહિનાનો ગ્રેસ પીરિયડ મળ્યો હતો. તે સમય રવિવારે ૨૬મી જૂનના રોજ સમાપ્ત થઈ ગયો. આમ ટેક્નિકલ રીતે રશિયાએ આ લોનને ડિફોલ્ટ કરી જે ૧૯૧૮ના વર્ષ બાદ પ્રથમ વખત બનેલી ઘટના છે.
યુદ્ધ બાદ તમામ પ્રકારના પ્રતિબંધો સહન કરી રહેલા રશિયાનું બોન્ડ માર્કેટ માર્ચ મહિનાથી જ દબાણમાં છે અને તેની કેન્દ્રીય બેંકનો વિદેશી મુદ્રા ભંડાર પણ ઠપ્પ પડ્યો છે. નિષ્ણાંતોના મતે રશિયા માટે આનાથી પણ વધુ પડકારજનક વાત એ છે કે, તેનો મોંઘવારી દર બે આંકડાનો થઈ ગયો છે અને અર્થતંત્ર નબળંં પડી રહ્યું છે.
રશિયા દ્વારા આ ડિફોલ્ટને નકલી ઠેરવી દેવામાં આવ્યું છે. રશિયાના કહેવા પ્રમાણે કોઈ પણ બિલની ચુકવણી કરવા માટે તેના પાસે પૂરતું ફંડ છે પરંતુ તેને બળજબરીથી ડિફોલ્ટ બનાવવામાં આવી રહ્યું છે. ગત સપ્તાહે રશિયાએ કહ્યું હતું કે, તે ૪૦ અબજ ડોલરનું સરકારી દેવુ રૂબલના માધ્યમથી ચુકવવા ઈચ્છે છે કારણ કે, પશ્ચિમી દેશોએ ડોલરમાં ટ્રેડિંગ કરવા પર રોક લગાવી દીધો છે. રશિયાના કહેવા પ્રમાણે પશ્ચિમી દેશોએ તેને બળજબરીથી ડિફોલ્ટર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એક સરકાર બીજી સરકારને ડિફોલ્ટર બનાવવા કમર કસી રહી હોય તે ખૂબ જ ખરાબ સ્થિતિ છે.