મુંબઈમાં ત્રણ દિવસ પહેલા જ પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થયેલા આઈપીએસ અધિકારી સંજય પાંડેને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા ૫ જુલાઈએ ઈડી ઓફિસમાં હાજર થવા માટે નોટિસ જારી કરવામાં આવી છે.
મની લોન્ડરિંગ પ્રકરણે આ નોટિસ આપવામાં આવી છે. ૫ જુલાઈએ સવારે ૧૧.૦૦ વાગ્યે તેમને ઈડી ઓફિસમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આને કારણે પાંડેની મુશ્કેલી વધી શકે છે. કરોડો રૂપિયા કોલકાતા માર્ગે શેલ કંપનીમાં વાળવામાં આવ્યા એવો આરોપ તેમની પર છે. આ જૂના કેસમાં પાંડેની પૂછપરછ થશે. મહાવિકાસ આઘાડી સરકારમાં પાંડેએ ભાજપના નેતાઓની પાછળ તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં. તેને કારણે પાંડેને હવે તપાસનો સામનો કરવો પડશે એવું કહેવાય છે. પાંડેએ ૨૦૦૧માં આઈટી ઓડિટ કંપની શરૂ કરી હતી. આ પછી તેમનું રાજીનામું સ્વીકારાયું નહીં ત્યારે તેઓ ફરીથી પોલીસ સેવામા આવ્યા હતા અને તેમણે પોતાના પુત્ર અને માતાને કંપનીમાં ડાયરેક્ટર બનાવી દીધાં હતાં.
૨૦૧૦ અને ૨૦૧૫ દરમિયાન આઈઝેક સર્વિસીસ પ્રા. લિ. નામે કંપનીને એનએસઈ સર્વર અને સિસ્ટમ્સના આઈટી ઓડિટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. તે સમયગાળામાં ખોટા વ્યવહાર કર્યા હોવાનો આરોપ છે. આ પછી સીબીઆઈએ કંપનીની તપાસ શરૂ કરી હતી અને હવે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.