મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ હોસ્પિટલ પરિસરમાં જ બાળકો માટે બનાવવામાં આવેલ કમલા નેહરુ હોસ્પિટલના ત્રીજા માળે લાગી હતી. અહીં મોટી સંખ્યામાં બાળકો દાખલ હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આગને કારણે ચાર બાળકોના મોત થયા છે. જા કે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મોટી સંખ્યામાં ફાયર ફાઈટરો અને પોલીસ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનોની સાથે વહીવટીતંત્ર અને હોસ્પિટલનો સ્ટાફ પણ આગ ઓલવવામાં વ્યસ્ત થયા હતાં આગની માહિતી મળતાં જ મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા હતાં
આગ હોસ્પિટલની બિલ્ડીંગના ત્રીજા માળે રાત્રે લગભગ ૯ વાગે શરૂ થઈ હતી, જેમાં બાળકોના આઈસીયુ છે.ઓછામાં ઓછા ૪૦ બાળકોને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૩૬ને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ચાર બાળકોને બચાવી શકાયા નથી.
આગ લાગવાના ચોક્કસ કારણનો હાલ ખુલાસો થયો નથી. જા કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ત્રીજા માળે લાગેલી આગને કારણે હોસ્પિટલના અન્ય માળ પર ધુમાડાના ગોટેગોટા થઈ ગયા છે, જેના કારણે ત્યાં હાજર દર્દીઓને પણ અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલની બિલ્ડીંગને ઝડપથી ખાલી કરાવવામાં આવી રહી છે.
આ ઘટના અંગે ટ્‌વીટ કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભોપાલની કમલા નેહરૂ હોસ્પિટલના ચાઈલ્ડ વોર્ડમાં આગ લાગવાની ઘટના દુઃખદ છે. બચાવ કામગીરી ઝડપથી કરવામાં આવી હતી. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ એસીએસ પબ્લિક હેલ્થ એન્ડ મેડિકલ એજ્યુકેશન મોહમ્મદ સુલેમાન કરશે. બાળકોની દુનિયામાંથી અકાળે વિદાય એ અસહ્ય પીડાદાયક છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. આ બાળકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય, એવી મારી પ્રર્થના છે… ઓમ શાંતિ.