બિહારના મુઝફ્ફરપુરમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. રાજેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મીનાપુર ગામમાં મહાવીરીના ધ્વજ સરઘસ પર પથ્થરમારાથી આ હિંસા થઈ છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ભીડ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. અથડામણ બાદ ઘરોમાં આગ લગાવવામાં આવી છે. બે સમુદાયો વચ્ચે થયેલા અથડામણ બાદ મીનાપુર ગામમાં તણાવ છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ ગામમાં પડાવ નાખી રહ્યા છે.
મીનાપુર ગામના બાંસઘાટથી મહાવીરના ધ્વજ સરઘસ કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે આ અથડામણ શરૂ થઈ હતી.. પોલીસ પણ શોભાયાત્રામાં લોકો સાથે ચાલી રહી હતી. સાંજે લગભગ ૬.૩૦ વાગ્યે શોભાયાત્રા મીનાપુરમાં મસ્જીદ પાસે પહોંચતાની સાથે જ કેટલાક લોકોએ છત પરથી પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેના પછી નાસભાગ મચી ગઈ હતી.. લોકોએ ધ્વજ છોડીને અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. પથ્થરમારામાં એસએચઓ સહિત એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ બીજી બાજુના લોકોએ પણ બદલો લેવા માટે પથ્થરમારો કર્યો હતો. ઘટનાસ્થળે અંધાધૂંધી અને ચીસો પડી હતી. રાત્રિ દરમિયાન કેટલાક લોકોએ એક ઘરને આગ પણ લગાવી દીધી હતી.
ગયા વર્ષે પણ મહાવીર ધ્વજ શોભાયાત્રાને લઈને આ માર્ગ પર બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. બાંસઘાટથી શરૂ થતી શોભાયાત્રા મીનાપુર થઈને લખનાસેન અખાડા જાય છે. રસ્તામાં આવતા ઘણા ગામોના લોકો શોભાયાત્રામાં જોડાય છે, જેના કારણે શોભાયાત્રા મોટી બને છે.
પરિસ્થિતી જોઈને વહીવટીતંત્રે ઘણા પોલીસ સ્ટેશનોમાંથી પોલીસને ઘટનાસ્થળે મોકલી હતી. એસએસપી, ગ્રામીણ એસપી, એસડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શોભાયાત્રા દરમિયાન વીડિયોગ્રાફી કરવામાં આવી રહી હતી. તેના આધારે હવે બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સાંપ્રદાયિક હિંસાને લઈને રાજકારણ પણ કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર બંને પક્ષો સાથે વાત કરી રહ્યું છે. શાંતિ જાળવવા માટે ગામમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે લોકોને કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.










































