બગસરા તાલુકા પંથકમાં તસ્કર ગેંગે તરખાટ મચાવ્યો છે. જેમાં બે દિવસ પહેલા શિલાણા ગામે દુકાનો, મંદિરમાં ચોરીની ઘટના સામે આવ્યા બાદ ગતરાત્રે તાલુકાના હળિયાદ ગામે બે દુકાનો તથા મહિલા સ્વામિનારાયણ મંદિરના તાળા તોડી ચોરી કર્યાની ઘટના સામે આવતા તાલુકાના લોકોમાં તસ્કરોનો ભય ફેલાયો છે.
તાલુકાના ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી તસ્કર ગેંગના આંટાફેરા થઇ રહ્યા છે. બે દિવસ પહેલા શિલાણામાં ચાર દુકાનો, બે મકાનો તથા ત્રણ મંદિરના તાળા તૂટ્યા હતા. ત્યાં ગતરાત્રે હળિયાદમાં ચોરીની ઘટના બની હતી. જેમાં એક મકાનમાં ચોરીનો પ્રયાસ થતા સ્થાનિક લોકો જાગી જતા તેમના પર પથ્થરનો ઘા કરતા તસ્કરો નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે.