બગસરામાં ધાર્મિક તહેવારો ચાલતા હોય ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારીને લીધે અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છવાયો છે. હાલ ગણપતિ ઉત્સવ તેમજ અનેક ધાર્મિક તહેવારો નજીક હોય ત્યારે નગરપાલિકા સંચાલિત અનેક સ્ટ્રીટ લાઈટ છેલ્લા ઘણા દિવસથી જેતપુર રોડ પર બંધ હાલતમાં જોવા મળી રહેલ છે. આ અંગે પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં સત્તાધીશો તેના પર ધ્યાન આપતા નથી તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત હુડકોમાં પણ ઘણી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં જોવા મળી રહેલ છે. નગરપાલિકાના સભ્યને પણ આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર કહેલ હોય તેમ જ સ્ટ્રીટ લાઈટ રિપેર કરતા કર્મચારીઓને પણ આ બાબતે અનેકવાર જણાવેલ પરંતુ તેઓ બેદરકારી દાખવે છે. રસ્તા ઉપર રખડતા ઢોર બેઠેલા હોવાથી અકસ્માત પણ બની રહ્યા છે. લોકોના પ્રશ્નોનો નિકાલ કરવો જરૂરી છે તેમ બગસરાના રહીશોની માંગ છે.









































