છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં છુપાયેલા કાળા નાણાં અંગે સરકારને કોઈ અંદાજ નથી. જાકે, ૨૦૧૫ દરમિયાન એક વખતની ત્રણ મહિનાની વિન્ડો હેઠળ કર અને દંડ સ્વરૂપે સરકારે રૂ. ૨,૪૭૬ કરોડ એકત્ર કર્યા હતા તેમ સરકારે સંસદમાં જણાવ્યું હતું. નાણામંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૫ સુધીમાં સરકારની ત્રણ મહિનાની યોજના પૂરી થતાં સુધીમાં ૬૪૮ કિસ્સામાં અંદાજે રૂ. ૪,૧૬૪ કરોડના મૂલ્યની વિદેશી અસ્કયામતો જાહેર કરાઈ હતી.
નાણામંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, બ્લેક મની (જાહેર નહીં કરાયેલી વિદેશી આવક અને અસ્કયામતો) એન્ડ ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, ૨૦૧૫ હેઠળ સરકારે કર અને દંડ સ્વરૂપે રૂ. ૨,૪૭૬ કરોડ એકત્ર કર્યા હતા. જાકે, છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં છુપાવાયેલા કાળા નાણાંના સંદર્ભમાં સત્તાવાર રીતે કોઈ અંદાજ મૂકાયો નથી. આમ છતાં સરકાર વિદેશમાં છુપાયેલા કાળા નાણાંને દેશમાં લાવવા માગે ગંભીર પ્રયાસો કરી રહી છે અને તેના સફળ પરિણામો પણ મળી રહ્યા છે.
સાંસદ સુખરામ સિંહ યાદવ અને વિશ્વમ્ભર પ્રસાદ નિષાદે કેન્દ્ર સરકારને વર્ષ ૨૦૧૪થી ૩૦મી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં વિદેશમાંથી ભારત લાવવામાં આવેલા કાળા નાણાંની વિગતો જાણવા માટે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘એચએસબીર્સી કેસમાં વિદેશમાંથી જાહેર નહીં કરાયેલી આવકના રૂ. ૮,૪૬૬ કરોડની રકમને કર માળખા હેઠળ લાવવામાં આવી છે અને દંડ સ્વરૂપે રૂ. ૧,૨૯૪ કરોડથી વધુની રકમ વસૂલવામાં આવી છે.
ચૌધરીએ ઉમેર્યું કે, વિદેશી ખાતાઓમાં રૂ. ૧૧,૦૧૦ કરોડથી વધુનું જાહેર નહીં કરાયેલું ભંડોળ હોવાના ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્‌સ (આઈસીઆઈજે)ના દાવાઓ અંગે તપાસ ચાલી રહી છે. બેનામી સંપત્તિ અંગે પનામા પેપર્સમાં જાહેર થયેલા લોકો, કંપનીઓ સામે લેવાયેલા પગલાં અંગેના એક સવાલમાં તેમણે જણાવ્યું હતું કે પનામા અને પેરેડાઈઝ પેપર્સ લીકમાં ભારત સાથે સંકળાયેલી ૯૩૦ કંપનીઓ દ્વારા વિદેશમાં રૂ.૨૦,૩૫૩ કરોડની રકમ જાહેર નહીં કરાઈ હોવાનો દાવો થયો હતો.
ચૌધરીએ જણાવ્યું કે, પનામા અને પેરેડાઈઝ પેપર લીકના બાવન કેસમાં બ્લેક મની એક્ટ હેઠળ ફોજદારી ફરિયાદો દાખલ કરાઈ છે. વધુમાં પનામા અને પેરેડાઈઝ પેપર લીક્સમાં સરકારે અત્યાર સુધીમાં રૂ. ૧૫૩.૮૮ કરોડ કર સ્વરૂપે એકત્ર કર્યા છે. ઉપરાંત આ કાયદા હેઠળ ૧૩૦ કેસ પર કાર્યવાહી ચાલી રહી છે.