અમરેલી કલેકટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના અણઉકેલ પ્રશ્ને અમરેલી કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજયના ખેડૂતોએ આ બાબતે રાજય સરકારને પડતર પ્રશ્નો હલ કરવા માટે ભૂતકાળમાં રજૂઆત કરી હતી પરંતુ રાજય સરકાર દ્વારા કિસાન સંઘની રજૂઆતને બેધ્યાન કરતા સમગ્ર રાજય સહિત અમરેલી જિલ્લામાં ખેડૂતોએ રોષભેર આવેદનપત્ર પાઠવ્યુ હતું. રાજય સરકાર દ્વારા ખેતીવાડીમાં ફરજિયાત વીજમીટર પ્રથા નાબૂદ કરવા સહિતના પ્રશ્ને ખેડૂતો આકરા પાણીએ છે ત્યારે રાજય સરકારને જગાડવા માટે અમરેલી જિલ્લામાંથી બસ મારફતે બહોળી સંખ્યામાં ખેડૂતોએ કલેકટર કચેરીએ એકત્ર થઈ પડતર પ્રશ્ને કલેકટરને આવેદન પાઠવ્યુ હતું. આવેદનપત્ર સમયે ભારતીય કિસાન પ્રદેશ મંત્રી ધીરૂભાઈ ધાખડા, અમરેલી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી, વિનુભાઇ દુધાત, બબાભાઈ વરૂ, લાલભાઈ વેકરીયા, અશોકભાઈ હીરાણી, વિક્રમભાઈ ધાખડા, તેમજ બધા કિસાન સંઘના હોદ્દેદારો હાજર રહ્યાં હતા.