કર્ણાટકમાં ફરી સેક્સ કાંડ ગાજ્યું છે.
કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી સમયે જ જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાની સેક્સ સીડીઓ ફરતી થતાં હાહાકાર મચી ગયો છે. પ્રજ્વલ ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાનો પૌત્ર છે. દેવગૌડાના મોટા પુત્ર રેવન્નાનો પુત્ર પ્રજ્વલ હાસ્સન લોકસભા બેઠકનો ઉમેદવાર છે. હાસ્સનમાં ૨૬ એપ્રિલે મતદાનના બે દિવસ પહેલાં ફરતી કરાયેલી પેન ડ્રાઈવમાં પ્રજ્વલના ૩૦૦૦ જેટલા પોર્ન વીડિયો, અંગત પળોના ફોટા વગેરે ફરતા થતાં જ સનસનાટી મચી ગયેલી. આ વીડિયો બહાર આવ્યા પછી પ્રજ્વલ જર્મની ભાગી ગયો જ્યારે કર્ણાટક સરકારે સેક્સ કાંડની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે.
આ તપાસ શરૂ થઈ એ વખતે જ પ્રજ્વલના પિતા સામે પણ બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. પ્રજ્વલના ઘરે કામ કરતી મહિલાએ પ્રજ્વલના ધારાસભ્ય બાપ રેવન્નાએ પોતાના પર બળાત્કાર કરીને વારંવાર શરીર સંબધ બાંધ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. પ્રજ્વલ પણ તેની દીકરીને વીડિયો કોલ કરીને અશ્લીલ વાતો કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પ્રજ્વલની માતા ભવાનીની સંબંધી એવી મહિલાના આક્ષેપ પ્રમાણે, રેવન્ના અને પ્રજ્વલ નોકરાણીઓને સ્ટોર રૂમમાં બોલાવીને મજબૂરીનો લાભ ઉઠાવીને શરીર સંબંધો બાંધતા હતા. આ ફરિયાદના પગલે બીજી બે યુવતીઓએ પણ રેવન્ના અને પ્રજ્વલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. તેમાં એક તો જિલ્લા પરિષદની સભ્ય છે.
પ્રજ્વલના સેક્સ કાંડમાં જે વિગતો બહાર આવી છે એ હચમચાવી નાંખનારી છે. માત્ર ૩૩ વર્ષના પ્રજ્વલે હજારો યુવતીઓને હવસનો શિકાર બનાવી છે એ જોતાં આ સેક્સ કાંડ કર્ણાટકનો જ નહીં પણ દેશનો સૌથી મોટો સેક્સ કાંડ છે.

કર્ણાટકમાં નેતાઓના સેક્સ કાંડ નવા નથી.
ભારતના બીજા કોઈ રાજ્ય કરતાં વધારે સેક્સ કાંડ કર્ણાટકમાં થયાં છે. આ પહેલાં ૨૦૨૧ના માર્ચમાં રમેશ જર્કિહોલીનું સેક્સ કાંડ ગાજ્યું હતું ને તેના કારણે જર્કિહોલીએ રાજીનામું ધરી દેવું પડેલું. એ વખતે કર્ણાટકમાં ભાજપના યેદુરપ્પા મુખ્યમંત્રી હતા ને રમેશ જર્કિહોલી યેદુરપ્પા સરકારમાં જળ સંસાધન મંત્રી હતા. જર્કિહોલી મૂળ તો કોંગ્રેસી નેતા હતા પણ કુમારસ્વામીની સરકારને ગબડાવવા માટે ભાજપે જે ધારાસભ્યોને ફોડ્‌યા તેમાં જર્કિહોલી પણ એક હતા તેથી તેમને કોંગ્રેસ સાથે ગદ્દારીના બદલારૂપે મંત્રી બનાવાયા હતા.
રમેશ જર્કિહોલી એક યુવતી સાથે હોટલના રૂમમાં કામક્રિડા કરતા હોય એવી સેક્સ ટેપ દિનેશ કલાહલ્લી નામના સામાજિક કાર્યકરે બહાર પાડી તેમાં જર્કિહોલીએ રાજીનામું ધરી દેવું પડ્‌યું હતું. કલ્લાહલીનો દાવો હતો કે, જર્કિહોલીએ યુવતીને સરકારી નોકરી આપવાની લાલચ આપીને પોતાની હવસનો શિકાર બનાવી હતી હતી. યુવતી સાથેના સેક્સની તેમણે ટેપ બનાવી લીધી હતી ને તેને બ્લેકમેઈલ કરતા હતા.
જર્કિહોલીએ યુવતીને વારંવાર હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા પણ સરકારી નોકરી ના આપી. ઉલટાનું તેને બદનામ કરવાની ધમકીઓ આપવા માંડી હતી. આ બધાથી મધ્યમવર્ગીય યુવતી થાકી ગઈ હતી પણ એક પાવરફુલ મિનિસ્ટર સામે લડવાનું ગજું નહોતું તેથી કલ્લાહલીનો સંપર્ક કર્યો. કલ્લાહલી નાગરિક હક્કુ હોરાત સમિતિ નામે સંગઠન ચલાવે છે. તેમણે આ સેક્સ ટેપ સાથે પોલીસનો સંપર્ક કર્યો અને મીડિયાને સેક્સ ટેપ આપીને જર્કિહોલીનો ભાંડો ફોડી નાંખ્યો. યુવતીએ છ વીડિયો બહાર પાડ્‌યા હતા. વીડિયોમાં યુવતીએ માત્ર જર્કિહોલીને જ નિશાન બનાવ્યા હતા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બીજા નેતાઓએ પણ યુવતી સાથે રંગરેલિયાં મનાવ્યાં હોવાની વાતો વહેતી થયેલી.
સેક્સ ટેપ બહાર આવ્યા પછી પોલીસે ફરિયાદ નોંધી પણ રમેશ જર્કિહોલીની ધરપકડ થઈ નહોતી કે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા નહોતા. આ મામલે રાજકીય દાવપેચ પણ થયેલા. રમેશ જર્કિહોલીની સેક્સ ટેપ કેસમાં દેખાયેલી યુવતીનાં માતા-પિતાએ કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારે યુવતીને છૂપાવી રાખી હોવાનો તથા તેનો ઉપયોગ રાજકીય હિસાબ સરભર કરવા કરી રહ્યા હોવાનો આક્ષેપ કરેલો.
યુવતીના પિતા એક્સ-સર્વિસમેન છે. તેમણે આક્ષેપ કર્યો કે, શિવકુમાર યુવતીને ગોવા મોકલી દેવાની ફિરાકમાં છે એવો આક્ષેપ પણ કર્યો. જર્કિહોલીએ શિવકુમારને કાયર ગણાવીને યુવતીની આડમાં ગંદુ રાજકારણ રમવાનો આક્ષેપ મૂક્યો હતો. આ આક્ષેપબાજી બહુ લાંબી ચાલી નહોતી પણ વિવાદ પણ પતી ગયો. આ વાતને પાંચ વર્ષ થઈ ગયાં પણ હજુ સુધી કર્ણાટક પોલીસે ટેપ સાચી છે કે નહીં તેનું વેરીફિકેશન પણ કર્યું નથી.

કર્ણાટકના બીજા એક મંત્રી અરવિંદ લિમ્બાવલીની સેક્સ ટેપ ૨૦૧૯માં બહાર આવેલી.
અરવિંદ લિમ્બાવલીની સેક્સ સીડી ફરતી થઈ ત્યારે લિમ્બાવલી પણ યેદુરપ્પા સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છે. રસપ્રદ વાત એ છે કે, લિમ્બાવલીની સેક્સ ટેપ કોઈ યુવતી સાથે નહીં પણ એક છોકરા સાથે હતી. લિમ્બાવલી છોકરા સાથે સજાતિય સેક્સ માણતા હોય એવી ટેપે ખળભળાટ મચાવ્યો હતો. લિમ્બાવલીએ આ ટેપ નકલી હોવાનો દાવો કરીને યેદુરપ્પાને તેની તપાસ કરાવવા કહેલું. આ ટેપની ફોરેન્સિક તપાસ કરાઈ અને પાંચ મહિના પછી આવેલા રિપોર્ટમાં ટેપ ખોટી હોવાનું કહેવાયેલું પણ ભાજપના નેતાઓનું જ માનવું હતું કે લિમ્બાવલીએ બધું મેનેજ કરીને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ પાસેથી ક્લીન ચીટ મેળવી હતી.
કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રકાશ રાઠોડ અશ્લિલ ક્લિપ જોતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. ૨૦૨૧ના જાન્યુઆરીમાં બનેલી ઘટનામાં વિધાનસભાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે રાઠોડ પાછળની હરોળમાં બેઠા બેઠા પોર્ન ક્લિપિંગ્સ જોતા હતા. ટીવી ચેનલોના કેમેરામાં રાઠોડની આ હરકત ઝડપાઈ ગઈ હતી.
રાઠોડે એવો લૂલો બચાવ કર્યો કે, પોતે નકામા મેસેજ ડીલીટ કરતા હતા. તેમણે પોતે પોર્ન ક્લિપ જોતા હતા એ વાત પણ નકારી હતી પણ આ બચાવ ગળે ઉતરે એવો નહોતો કેમ કે રાઠોડ પોર્ન ક્લિપ જોતા હતા એ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. આ પહેલાં ૨૦૧૨માં ભાજપના લક્ષ્મણ સવાદી બીજા બે ધારાસભ્યો કૃષ્ણા પાલેમાર અને સી.સી. પાટિલ સાથે વિધાનસભામાં પોર્ન ફિલ્મ જોતા ઝડપાયા હતા. સવાદી પાછળથી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા જ્યારે કૃષ્ણા પાલેમાર અને સી.સી. પાટિલ પ્રધાન બન્યા હતા.
રાજ્યના ગૃહ મંત્રાલયે કરેલી તપાસમાં સવાદીને ક્લીન ચીટ આપવામાં આવી હતી પણ સીસીટીવીમાં ધારાસભ્યો પોર્ન ક્લિપ જોતા હતા એ સ્પષ્ટ દેખાતું હતું.

કર્ણાટકમાં કોંગ્રેસના મંત્રીની સેક્સ ટેપ પણ બહાર આવી છે.
કોંગ્રેસના સિધ્ધારામૈયા સરકારમાં એક્સાઈઝ મંત્રી એવા મેતીની ૨૦૧૫માં સેક્સ ટેપ બહાર આવી હતી. મેતી પાસે સરકારી નોકરી કરતી એક યુવતી ટ્રાન્સફર માટે આવી હતી. મેતીએ ટ્રાન્સફર કરાવી આપવાના બદલામાં પોતાની સાથે શરીર સંબંધ બાંધવાની શરત મૂકી હતી. યુવતીએ આ શરત માનીને મેતી સાથે સંબંધ બાંધ્યા પણ મેતીએ તેનો વીડિયો ઉતારી લીધો અને યુવતીને બ્લેકમેઈલ કરવા માંડ્‌યા.
યુવતીએ એક દિવસ મેતીના ફોનમાંથી પોતાના ફોનમાં વીડિયો ટ્રાન્સફર કરી લીધો અને વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો અને મેતીએ રાજીનામું આપવું પડ્‌યું. મેતીએ પછીથી યુવતી સાથે સમાધાન કરી લેતાં યુવતીએ ફરિયાદ પાછી ખેંચી લેતાં મેતી બળાત્કારના આરોપમાંથી બચી ગયા.
૨૦૦૯માં ભાજપની પહેલી યેદુરપ્પા સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી હરતાલુ હલપ્પાના તેમની મિત્રની પત્ની સાથેની સેક્સ ટેપ ફરતી થયેલી. આ ટેપના પગલે મિત્રની પત્નીએ હલપ્પા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ૨૦૧૭માં અપૂરતા પુરાવાના અભાવે હલપ્પા નિર્દોષ છૂટી ગયા હતા. ૨૦૦૯માં જ ઉડુપીના ધારાસભ્ય રઘુપતિ ભટ્ટની સેક્સ ટેપ બહાર આવતાં તેમણે પણ રાજીનામું ધરી દેવું પડ્‌યું હતું.
૨૦૦૭માં ભાજપ-જેડીએસ સરકારના મંત્રી રેણુકાચાર્યની એક નર્સ સાથેની સેક્સ ટેપ ફરતી થયેલી.
નર્સે પોતે આ ટેપ સાચી હોવાનું સ્વીકારીને આક્ષેપ મૂકેલો કે, રેણુકાચાર્ય પોતાની વગનો ઉપયોગ કરીને પોતાને પરેશાન કરતા હતા અને બળજબરીથી પોતાને કિસ કરતા હોય એવા ફોટા પાડી લીધેલા. તેના આધારે બ્લેકમેઈલિંગ કરીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવાની ફરજ પાડીને વીડિયો ઉતારી લીધો હતો. રેણુકાચાર્યે નર્સ સાથે લગ્નનું નાટક પણ કરેલું પણ તેમને તેની સાથે શરીર સંબંધમાં જ રસ હતો.
આ તો થોડાક છાપે ચડેલા કિસ્સા છે. બાકી સેક્સ કાંડ થયા હોય, મીડિયામાં વિગતો આવી હોય પણ પછી સમાધાન કરીને ભીનું સંકેલી લેવાયું હોય એવા તો બીજા ઘણા કિસ્સા છે.