નાની કુંકાવાવ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા દ્વારા ફાળવવામાં આવેલ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રેખાબેન મોવલીયા ઉપÂસ્થત રહ્યા હતા. કાર્યક્રમમાં જલ્પેશભાઇ મોવલીયા, પી.વી. વસાણી, અમીતભાઇ કરકર, અનીકેતભાઇ ભટ્ટ, સરપંચ શોભનાબેન ઢોલરીયા, ભરતભાઇ દેસાઇ સહિતના આગેવાનોની પણ હાજરી રહી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના જ બાળકો શિંગાળા તન્મય અને ઢોલરીયા દિશા દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોએ ઉપસ્થિત મહેમાનોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આંગણવાડી અને ધો. ૧ના બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ધો. ૬ની વિદ્યાર્થિની વસાણી હાર્મી દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ સાથે શાળાના ધો. ૩ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓનું તથા એનએમએમએસના મેરિટમાં આવેલ રીનલબેન વેકરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાને વોટરકુલર આપનાર દાતા સવજીભાઇ દોંગા, બાળકોને આઇકાર્ડ બનાવી આપનાર દાતા વિનુભાઇ આગોલા, સ્માર્ટ બોર્ડ માટે પડદાના દાતા ભીખાભાઇ ઢોલરીયાને મહેમાનો દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. શાળાને સ્માર્ટ ક્લાસ અપાવવા બદલ જલ્પેશભાઇ મોવલીયા તથા રેખાબેન મોવલીયાનું શાળા પરિવાર વતી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્માર્ટ ક્લાસના લોકાર્પણ સહિત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.