કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ પણ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પાર્ટી લાઇનથી અલગ અભિપ્રાય જણાવ્યો છે. તેમણે આ યોજનાને સરકારનું યોગ્ય દિશામાં પગલું જણાવ્યું છે.
એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તિવારીએ કહ્યું- આ સમયે દેશને મોબાઈલ આર્મી, યુવા સેનાની જરૂર છે. તમે તેને પસંદ કરો કે ન કરો, પરંતુ મને લાગે છે કે વન રેન્ક-વન પેન્શન યોજનાને કારણે પેન્શનનો વધતો બોજ સરકારની ગણતરી કરતાં આગળ નીકળી ગયો હશે. તિવારી ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોએ પાર્ટીલાઈનથી અલગ નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે કહ્યું- ટેક્નોલોજી અને હથિયારો પર વધુ ખર્ચ કરવો જરૂરી છે. મોટા ભાગના રૂપિયા આના પર ખર્ચવામાં આવે છે. છેલ્લા ૧૦ વર્ષમાં યુદ્ધની પ્રકૃતિ બદલાઈ ગઈ છે અને તે ઘણી મહત્વપૂર્ણ છે. તેની ૩૦ વર્ષ પહેલાની સરખામણીમાં અત્યારે આપણા સશ† દળો વધુ તૈયાર છે. આજે આપણી આર્મી ટેકનોલોજી અને આધુનિક શસ્ત્રો પર વધુ નિર્ભર છે. આમાં મોટાભાગના લોકો યુવાન છે. આવી સ્થિતિમાં સેનામાં આવા સુધારાની ખુબ જ જરૂર છે.
કોંગ્રેસ કેન્દ્ર સરકારની આ યોજનાનો વિરોધ કરી રહી છે. આ યોજના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં ઉગ્ર દેખાવો પણ થયા છે. રાહુલ ગાંધી દ્વારા આ મામલે સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું- કોઈ રેન્ક નહીં, કોઈ પેન્શન નહીં, ૨ વર્ષથી કોઈ સીધી ભરતી નહીં, ૪ વર્ષ પછી સ્થિર ભવિષ્ય નહીં, સેના માટે સરકારનું સન્માન નહીં. દેશના બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળો વડાપ્રધાનજી, તેમને ‘અગ્નિપથ’ પર ચલાવીને તેમના સંયમની ‘અગ્નિ પરીક્ષા’ ન લો.