અમદાવાદની એક કોર્ટે ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેને મોરબી બ્રિજ તૂટી પડવા અંગેના તેમના કથિત ટ્‌વીટને લગતા કેસમાં જૉમીન મંજૂર કર્યા હતા, પરંતુ મોરબી પોલીસ દ્વારા નોંધાયેલા અન્ય કેસમાં ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (સાયબર ક્રાઈમ) જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમવી ચૌહાણે ગોખલેને જૉમીન આપ્યા છે. તેમના કહેવા મુજબ પોલીસ કસ્ટડી પુરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ત્યારબાદ મોરબીમાં નોંધાયેલા અન્ય કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.ટીએમસીએ ટિવટ કર્યું છે કે વિકાસને ધ્યાનમાં રાખીને તેમણે ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાતમાં મોરબી મોકલ્યું છે. ભાજપ ૪ ગુજરાતના નાપાક એજન્ડાનો ફરી પર્દાફાશ થયો છે.
તેમણે લખ્યું- “અમારા રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની મુક્તિના થોડા સમય બાદ ગુજરાત પોલીસે કોઈ કારણ વગર ધરપકડ કરી હતી.” ટીએમસીએ દાવો કર્યો હતો કે લોકોના લોકતાંત્રિક અધિકારો હવે જૉખમમાં છે, અમે તેમની બિનશરતી મુક્તિની માંગ કરીએ છીએ.” પાર્ટીએ કહ્યું કે પ્રતિનિધિમંડળમાં વરિષ્ઠ નેતાઓ ડોલા સેન, ખલીલુર રહેમાન અને અસિત મલ સામેલ છે.
નોંધનીય છે કે ૧ ડિસેમ્બરે ગોખલેએ માહિતી અધિકાર હેઠળ મળેલી માહિતીના આધારે એક સમાચાર શેર કર્યા હતા, જે મુજબ બ્રિજ ધરાશાયી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબીની મુલાકાતમાં રૂ.૩૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મંગળવારે સવારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ટિવટ કરીને તેને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા.