ડોળાસા નજીકના જંત્રાખડી ગામે આઠ વર્ષની સાધુ સમાજની દીકરી પર એક નરાધમે ભારે અત્યાચાર ગુજારી નિર્મમ હત્યા કરાયાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્યારે આજે રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, જૂનાગઢ ગિરનારના મહંત ઇન્દ્રભારતી બાપુ, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, ભગુભાઈ પરમાર, સુભાષભાઈ ડોડીયા, કનીરામ બાપુ, મહાદેવગીરી બાપુ સહિતનાઓએ ઉપસ્થિત રહી દિકરીના પરિવારને સાંત્વનાના પાઠવી હતી. તથા બાળાની સમાધિ પર જઈ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. મળતી વિગતો મુજબ ઈન્દ્રભરતી બાપુ સહિતે આ પરિવારને ગુપ્ત રીતે આર્થિક મદદ કરી હતી. સરકારના પ્રતિનિધિના રૂપે અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ મામલે અત્યંત સંવેદનશીલ છે. પોલીસ પણ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. આરોપીને ઝડપી આકરામાં આકરી સજા અપાવવા સરકાર પછી પાની નહિ કરે તેવી ખાતરી આપી હતી. ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, સમગ્ર માનવ જાતને પીડા આપતી આ ઘટનાના આરોપીને ફાસીને માચડે પહોંચાડી ને રહીશું તેવી આ પરિવારને હિંમત આપી હતી.