કેન્દ્ર સરકારે સંસદમાં આશ્ચર્યજનક નિવેદન કરતા જણાવ્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ચીન દ્વારા ભારતમાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી થઈ
નથી, જ્યારે બાંગ્લાદેશ સરહદ પર સૌથી વધારે ઘૂસણખોરીના મામલા સામે આવ્યા છે. ગૃહ મંત્રાલયે લોકસભામાં જવાબ આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરીની મામલા શૂન્ય છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સૌથી વધારે ઘૂસણખોરી બાંગ્લાદેશ સરહદેથી થઈ છે. બાંગ્લાદેશ સરહદેથી ઘૂસણખોરીના ૧,૭૮૭ કેસ છે. ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી બાંગ્લાદેશ સરહદ પરથી પણ ઓછી છે. ભારત-પાકિસ્તાન સરહદ પર ૧૨૮ વખત જ ઘૂસણખોરીના પ્રયત્નો થયા છે.
ગૃહ મંત્રાલયે એ જાણકારી પણ આપી હતી કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત-નેપાળ સરહદમાં ઘૂસણખોરીના ૨૫ મામલા સામે આવ્યા છે. બીજી બાજુએ ભારત-ભૂટાન સરહદે ઘૂસણખોરીનો કોઈ મામલો સામે આવ્યો નથી. તેની સાથે-સાથે ભારત બર્મા સરહદ પર ઘૂસણખોરીના ૧૩૩ કેસ નોંધાયા છે.
બીએસએફના અધિકાર ક્ષેત્ર પર સાંસદ વરુણ ગાંધીના સવાલના જવાબમાં ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે અમારો હેતુ કેટલાક રાજ્યોમાં સીમા સુરક્ષા દળના અધિકાર ક્ષેત્રમાં વિસ્તરણ કરવાનો છે. તેનું કારણ એ છે કે રાષ્ટ્રહિત વિરોધી તાકાતો દ્વારા શસ્ત્રો, નશીલા પદાર્થોની દાણચોરી માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન, યુએવી જેવા સાધનોના પ્રયોગથી લઈને બીએસએફને સામર્થ્યવાન બનાવવાનું છે. તેના લીધે દાણચોરી રોકવામાં મદદ મળશે. દાણચોરો બીએસએફના અધિકાર ક્ષેત્રની બહાર શરણ લે છે.
આ વર્ષે ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરતાં ૩૦૦૦ બાંગ્લાદેશી ઘૂસણખોરોની સીમા સુરક્ષા દળે ધરપકડ કરી છે. બીએસએફ હાલમાં ૧૯૩ બટાલિયન સાથે દેશની સરહદોની સુરક્ષા કરી રહ્યું છે.