અમરેલીના ચાંપાથળ ગામે બે પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. ગામમાં રહેતા અને આંગણવાડી વર્કર તરીકે કામ કરતાં નીતાબેન બાબુભાઈ બગડા (ઉ.વ.૪૨)એ અમરેલીના બહારપરામાં રહેતા જગદીશભાઇ છગનભાઇ મકવાણા, નીધીબેન જગદીશભાઇ મકવાણા, વંશ જગદીશભાઇ મકવાણા તથા ચાંપાથળ ગામે રહેતા અરવિંદભાઇ કરશનભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ નીતાબેનના માતા તેમના ઘરે આવ્યા હતા. ઉપરાંત તેમની દિકરીની સગાઈ કર્યા બાબતનું મનદુઃખ રાખી જગદીશભાઈ અને નીધીબેન તેમના ઘરે આવ્યા હતા અને તેમના પતિને છરી બતાવી હતી. આ સમયે તેઓ વચ્ચે પડતાં તેમણે અન્ય આરોપીને બોલાવ્યા હતા જેમાં વંશ તલવાર અને અરવિંદભાઈ લાકડી લઈને આવ્યા હતા.આ સમયે તેમની દિકરીને અરવિંદભાઈ લાકડી મારવા જતાં તેની દીકરીએ મરચાની ભુકી છાંટી બચાવ કર્યો હતો. જે બાદ મોટર સાઇકલ તેની સાથે ભટકાવી ઇજાગ્રસ્ત કરી હતી. આરોપીઓના ત્રાસના કારણે મા-દીકરીએ ફિનાઇલ પીધું હતું. જે બાદ અમરેલીના બહારપરામાં રહેતા જગદીશભાઈ ચકાભાઈ મકવાણાએ ચાંપાથળ ગામે રહેતા બાબુભાઇ હરીભાઇ બગડા, હરજીભાઇ લાખાભાઇ બગડા, દર્શનભાઇ બાબુભાઇ બગડા તથા બે મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ કરી હતી. જે મુજબ આરોપીએ ગેરકાયદે મંડળી રચી તેમને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો અને આંખમા મરચાની ભુકી નાંખી હતી. બંને કેસની તપાસ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એચ.જી.ગોહિલ કરી રહ્યા છે.