ગીરસોમનાથ નાં સરખડી ગામની ૬ દીકરીઓએ ઈતિહાસ રચી દીધો છે. ગુજરાત માટે ગૌરવસમાન સમય લાવ્યો છે. કારણ કે, ૨૪મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયન બની છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતની આ ટીમમાં ગીરસોમનાથ જિલ્લાની એક બે નહિ પરંતુ ૭ ખેલાડીઓનો સમાવેશ થયો હતો.
રાજ્ય માટે ગૌરવ સમાન અને અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ એવી આ બાબત છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના સરખડી ગામે વર્ષના ૩૬૫ દિવસ મેદાનમાં ૩૦૦ ખેલાડીઓ વાલીબોલની પ્રેક્ટીસ કરે છે. જેમાં માત્ર ૨૦૦ ખેસાડી તો મહિલાઓ જ છે. છેલ્લા ૩૫ વર્ષમાં આ ગામના ખેલાડીઓએ નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પોતાનું યોગદાન આપ્યું છે. દેશ અને દુનિયામાં તેના પ્રાંત અને રાજ્યનું નામ રોશન કર્યું છે. કેટલાક ખેલાડીઓએ જણાવ્યું હતું કે, કોઈને આશા ન હતી કે આ ટીમે ફાઇનલ મેચમાં મજબૂત ગણાતી કેરલની ટીમને પણ ૩-૦ થી
પરાજય આપશે. પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતનું એકહથ્થુ પ્રભુત્વ જોવા મળ્યું હતું અને પ્રથમ વખત આ દીકરીઓએ નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં જીત હાંસલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. આગામી સમયમાં આ દીકરીઓ ઈન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે. જો ગુજરતનાં અન્ય ગામોમાં પણ દીકરીઓને આવી રીત તાલીમ આપવામાં આવે તો તેઓ રાજ્યનું નામ વૈશ્વિક ફલક ઉપર ચમકાવી શકે છે.