કર્પૂરી ઠાકુર ભારતરત્નને લાયક છે ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરની દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એવા ‘ભારતરત્ન’ માટે પસંદગી કરી પછી આ સવાલ પૂછાઈ રહ્યો છે. કર્પૂરી ઠાકુર બે વાર બિહારના મુખ્યમંત્રી બન્યા હતા પણ બંને વાર તેમનો કાર્યકાળ બહુ લાંબો નહોતો. પહેલી વાર ૧૯૭૦માં મુખ્યમંત્રી બન્યા ત્યારે માત્ર સાડા પાંચ મહિના મુખ્યમંત્રીપદે રહેલા જ્યારે ૧૯૭૭માં કટોકટી પછીની ચૂંટણીમાં જીતીને ફરી બિહારના મુખ્યમંત્રી બન્યા ત્યારે ઠાકુર પોણા બે વર્ષ મુખ્યમંત્રીપદે રહ્યા હતા.
કર્પૂરી ઠાકુર બંને વાર મળીને એ લગભગ સવા બે વર્ષ મુખ્યમંત્રીપદે રહ્યા પણ દેશનાં મોટા ભાગનાં લોકો માટે કર્પૂરી ઠાકુર અજાણ્યું નામ છે. તેનું કારણ એ કે, હાલની પેઢી આવી એ પહેલાં તો કર્પૂરી ઠાકુર ગુજરી ગયેલા. બિહારના રાજકારણની વાત નીકળે ત્યારે લોકોને લાલુપ્રસાદ યાદવ અને નીતિશ કુમાર એ બે જ નામ યાદ આવે છે. લાલુપ્રસાદ યાદવ પહેલી વાર ૧૯૯૦માં મુખ્યમંત્રી બન્યા ને તેના વરસ પહેલાં એટલે કે ૧૯૮૮માં તો કર્પૂરી ઠાકુર ગુજરી ગયેલા તેથી રાજકારણમાં રસ હોય એવાં લોકો માટે પણ કર્પૂરી ઠાકુર જાણીતું નામ નથી.
મોદી સરકારે આવી વ્યક્તિની દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એવા ‘ભારતરત્ન’ માટે કેમ પસંદગી કરી ?
આ સવાલનો જવાબ રાજકારણ છે. બલ્કે સ્પષ્ટ રીતે કહીએ તો મતબેંકનું રાજકારણ છે. લોકસભાની ચૂંટણીમાં બિહારમાં લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળની ઓબીસી અને પછાત મતબેંકમાં ગાબડું પાડી શકાય એ માટે કર્પૂરી ઠાકુરની ‘ભારતરત્ન’ માટે પસંદગી કરાઈ છે. અલબત્ત કર્પૂરી ઠાકુરની સાદગી, પ્રમાણિકતા અને સાવ સામાન્ય પરિવારમાંથી આગળ આવીને મુખ્યમંત્રી બનવા સુધીની સિદ્ધિઓને જોતાં તેમની પસંદગી સામે વાંધો પણ ના લઈ શકાય.

કર્પૂરી ઠાકુર ઓબીસી અનામતના પ્રણેતા છે. બલ્કે મહિલા અને ઈડબલ્યુએસ અનામતના પણ પ્રણેતા છે.
ઠાકુરે બિહારના મુખ્યમંત્રી તરીકે ૧૯૭૮માં એક નવું રીઝર્વેશન મોડલ આપ્યું. ઠાકુરે બિહારમાં સરકારી નોકરીઓમાં ૨૬ ટકા અનામતનું મોડલ અમલી બનાવીને એસસી અને એસટી સિવાયના બીજા ચાર મોટા વર્ગોને અનામતનો લાભ આપી દીધેલો. આ ૨૬ ટકા અનમાતમાંથી અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને ૧૨ ટકા, અતિ પછાત વર્ગ (ઈબીસી)ને ૮ ટકા, મહિલાઓને ૩ ટકા અને સવર્ણોમાં આર્થિક પછાત વર્ગ (ઈબીડબલ્યુ)ને ૩ ટકા અનામત અપાયેલી. બિહારમાં ઓબીસી અને ઈબીસીનો મોટો વર્ગ આ જોગવાઈઓના કારણે કર્પૂરી ઠાકુરને મસિહા માને છે.
ઠાકુરના આ અનામત મોડલે દેશના રાજકારણની દિશા બદલી નાંખી. ભારતમાં અનામતનું રાજકારણ આઝાદી પહેલાંથી ચાલુ થઈ ગયેલું પણ ઠાકુરે મતબેંક ઉભી કરવા માટે અનામતનું કાર્ડ ખેલવાનો નવો રસ્તો બતાવી દીધો. તેમાંથી પ્રેરણા લઈને વિશ્વનાથ પ્રતાપસિંહે મંડલ પંચની બાજુ પર મૂકી દેવાયેલી ભલામણોનો અમલ કરીને દેશમાં ઓબીસી રાજકારણ શરૂ કરાવ્યું. મંડલ પંચે ઓબીસી માટે ૨૭ ટકા અનામતની ભલામણ કરેલી.
મંડલ પંચની ભલામણોના અમલે દેશમાં બે મોટાં રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઓબીસી મતબેંક પર આધારિત રાજકીય પક્ષોનો ઉદય થયો ને દેશનું રાજકારણ બદલાઈ ગયું. મુલાયમસિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર સહિતના પ્રાદેશિક નેતા પેદા થયા કે જેમણે દેશનાં બે મોટાં રાજ્યોને જ્ઞાતિવાદમાં વહેંચી દીધા. મંડલ પંચના કારણે દેશમાં જ્ઞાતિવાદનો પ્રભાવ વધ્યો, સમાજમાં જ્ઞાતિવાદના આધારે ભાગલા વધ્યા.
જો કે માત્ર લાલુ, મુલાયમ કે નીતિશે જ નહીં પણ બધા રાજકીય પક્ષોએ અલગ અલગ રીતે ઠાકુર મોડલનો ઉપયોગ મતબેંકનું રાજકારણ રમવા કર્યો. નરેન્દ્ર મોદી સરકારે સવર્ણોમાં આર્થિક રીતે નબળા વર્ગનાં લોકો માટે ૧૦ ટકા ઈડબલ્યુએસ અનામતની જોગવાઈ કરીને સવર્ણોને ખુશ કર્યા તેના મૂળમાં પણ કર્પૂરી ઠાકુર છે. ઠાકુરે બિહારમાં ૧૯૭૮માં ઈડબલ્યુએસ અનામતનો અમલ કરેલો.

કર્પૂરી ઠાકુરને દારૂબંધી અને સાદગી માટે પણ યાદ કરાય છે.
બિહારમાં ૨૦૧૬થી દારૂબંધી છે અને નીતિશ કુમાર વિરોધના વંટોળ વચ્ચે ઝીંક ઝીલીને પણ દારૂબંધી ટકાવી ગયા છે. નીતિશ કુમારને દારૂબંધીની પ્રેરણા કર્પૂરી ઠાકુરમાંથી મળેલી. નીતિશ કુમારે તેમના રસ્તે ચાલીને ૨૦૧૬થી દારૂબંધી કરી છે અને તેને વળગી રહ્યા છે એ માટે તેમને દાદ દેવી જોઈએ પણ અસલી દાદના હકદાર કર્પૂરી ઠાકુર છે. બિહારમાં કર્પૂરી ઠાકુરે ૧૯૭૭માં દારૂબંધી દાખલ કરેલી. એ બહુ જલદી હાંફી ગયા ને ચાર મહિનામાં તો દારૂબંધીના તબેલાનો સંકેલો કરી લેવો પડેલો એ અલગ વાત છે પણ કર્પૂરી ઠાકુરે બિહારમાં દારૂબંધી કરીને ભારે હિંમત બતાવેલી તેમાં કોઈ શંકા નથી.
કર્પૂરી ઠાકુરને સાદગી અને પ્રમાણિકતાનો પર્યાય પણ માનવામાં આવે છે. ઠાકુરે જીંદગીમાં કદી ભ્રષ્ટાચાર ના કર્યો કે પોતાના હોદ્દાનો કોઈ ગેરલાભ નહોતો લીધો. પત્ની બીમાર પડે તો પણ ઠાકુર તેમને સરકારી કારના બદલે રીક્ષામાં ડોક્ટર પાસે મોકલતા એવા કિસ્સા જાણીતા છે. જયપ્રકાશ નારાયણે બિહારની સભામાં કર્પૂરીને ફાટેલો ઝભ્ભો જોઈને લોકોને નવો ઝભ્ભો ખરીદવા માટે ફાળો આપવા વિનંતી કરેલી. લોકોએ પળવારમાં હજારો રૂપિયા ઉભા કરી દીધેલા પણ ઠાકુરે એ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી દીધેલા.
કર્પૂરી ઠાકુરની દીકરી નમિતાનાં લગ્ન ૧૯૭૭માં તેમના વતનના ગામમાં કરાયાં ત્યારે કર્પૂરી ઠાકુર મુખ્યમંત્રી હતા. કર્પૂરી ઠાકુરે દીકરીના લગ્ન સાદગીથી કરેલાં અને પોતાના મંત્રીમંડળના સાથીઓને પણ નિમંત્રણ નહોતું આપ્યું કેમ કે પોતાની દીકરીના લગ્નમાં સરકારી કામકાજ ખોરવાય એવું એ નહોતા ઈચ્છતા. પટણાના મુખ્યમંત્રી નિવાસના બદલે પોતાના ગામમાં પૈતૃક કાચા મકાનમાં બે પેટ્રોમેક્સના અજવાળામાં દીકરીને પરણાવીને તેને વિદાય આપી હતી. સરકારી તંત્રનો દીકરીનાં લગ્ન માટે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કર્યા વિના ઠાકુરે એક આદર્શ સ્થાપિત કર્યો હતો.

કર્પૂરી ઠાકુરને એક ખાસ કારણસર યાદ કરવા પડે.
જ્ઞાતિવાદી રાજકારણને લીધે હવે સાવ નાની નાની જ્ઞાતિઓમાંથી આવતાં લોકો માટે રાજકારણમાં આવવાની તક જતી જ રહી છે. સોની, દરજી, મોચી, વાળંદ, સુથાર વગેરે નાના નાના સમાજમાં ટેલેન્ટેડ લોકો તો છે જ પણ જ્ઞાતિવાદનો ભરડો એવો થઈ ગયો છે કે, આ સમાજનાં લોકોને ધારાસભાની ટિકિટ આપતાં પણ રાજકીય પક્ષો ખચકાય છે. જ્ઞાતિવાદના આધારે લોકો મતદાન કરે છે એ માટે રાજકારણીઓ જ જવાબદાર છે કેમ કે તેમણે જ આ વિષચક્ર બનાવ્યું છે પણ તેના કારણે સમાજના ઘણા પ્રતિભાશાળી લોકોને અન્યાય થાય છે. દેશ પણ તેમની ક્ષમતાનો લાભ નથી લઈ શકતો.
કર્પૂરી ઠાકુર આવા જ નાની જ્ઞાતિમાંથી આવતા હતા. નામના કારણે એ ભલે ઠાકુર હોય એવું લાગે પણ વાસ્તવમાં કર્પૂરી બિહારમાં મુઠ્ઠીભર વસતી ધરાવતી નાઈ (વાળંદ) જ્ઞાતિમાંથી આવતા હતા. બિહારનું રાજકારણ ત્યારે પણ હળાહળ જ્ઞાતિવાદી હતું. ૧૯૯૦માં વિશ્વનાથ પ્રતાપસિંહ મંડલ પંચ લઈ આવ્યા પછી યાદવો સહિતની ઓબીસી જ્ઞાતિઓ હાવી થઈ પણ એ પહેલાં બિહારના રાજકારણમાં ઠાકુર, બ્રાહ્મણ, ભૂમિહાર સહિતના સવર્ણોનું વર્ચસ્વ હતું. આ વર્ચસ્વ વચ્ચે કર્પૂરી ઠાકુરે સત્તા હાંસલ કરી એ મોટી વાત છે.
કર્પૂરી મુખ્યમંત્રી બની શક્યા તેનું કારણ તેમની સ્વચ્છ પ્રતિભા અને જયપ્રકાશ નારાયણ સહિતના જ્ઞાતિવાદને બહુ મહત્વ આપનારા નેતા હતા. કર્પૂરી ઠાકુર આઝાદીની લડતમાં ગાંધીજીથી પ્રભાવિત થઈને જોડાયા હતા. બિહારી હોવાના કારણે ગાંધીજીના ખાસ મનાતા જયપ્રકાશ નારાયણ અને સત્યનારાયણ સિંહા સાથે તેમની નિકટતા સ્થપાઈ. ગાંધીજીના દલિતોના ઉધ્ધાર માટેનાં અભિયાનોમાં સક્રિયતાના કારણે પછાત વર્ગોમાં પણ કર્પૂરી ઠાકુર લોકપ્રિય હતા. કર્પૂરી ઠાકુરને તેનો ફાયદો મળ્યો અને બિહારમાં ૧૯૬૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી નાયબ મુખ્યમંત્રી બન્યા.
ઈન્દિરાએ આ સરકારને ટકવા ના દીધી પણ ૧૯૬૯ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી નહોતી. તોડફોડ કરીને કોંગ્રેસે સરકાર રચી હતી. વિપક્ષોએ કોંગ્રેસમાં તોડફોડ કરીને આ સરકારને ઘરભેગી કરી ત્યારે પહેલાં સંસ્થા કોંગ્રેસના ભોલા પાસવાન શાસ્ત્રી મુખ્યમંત્રી બનેલા પણ પછી ઠાકુરને મુખ્યમંત્રીપદ અપાયેલું.