ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. એડીજી ઝોનની સૂચના પર, એક સબ ઇન્સ્પેક્ટર અને ૮ કોન્સ્ટેબલ સહિત ૯ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓ કયુઆરટી ટીમ-૬માં સામેલ હતા. તમામ આઠ કોન્સ્ટેબલ કૌશામ્બી જિલ્લાના સરાય અકીલ પોલીસ સ્ટેશનથી આવ્યા હતા. સબ ઈન્સ્પેક્ટર પ્રયાગરાજના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.

નરેન્દ્ર મોદી યુપીના પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ૧૬ લાખ મહિલાઓને ૧૦૦૦ કરોડની ભેટ આપી હતી. તેમના હરીફો પર કટાક્ષ કરતા વડા પ્રધાને કહ્યું કે છોકરીઓ માટે લગ્નની ઉંમર વધારીને ૨૧ કરવાના સરકારના નિર્ણયથી મહિલાઓ ખુશ છે, પરંતુ તેનાથી કેટલાકને નુકસાન થઈ રહ્યું છે.મોદીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલા ૩૦ લાખ મકાનોમાંથી ૨૫ લાખ ઘર ઉત્તર પ્રદેશમાં મહિલાઓના નામે નોંધાયેલા છે.