અમુક સ્ત્રઓનો બાંધો, તેની કાયા, તેનું શરીર, તેનાં એક એક અંગ ખૂબ જ કામણગારાં હોય છે. આવા એ અંગ પર, શરીર પર તે ગમે તેવા વસ્ત્ર ધારણ કરે ત્યારે ખૂબ જ શોભી ઉઠે છે. પછી એ વસ્ત્ર ભલે ને સાવ સાદાં હોય ! આવું જ કંઇક જ્યોતિની દેહાવલિમાં હતું. તદ્દન સાદાં વસ્ત્રમાં પણ અત્યારે તે પરી જેવી દેખાઇ રહી હતી.
સવાર સવારમાં આઠને દસ મિનિટ થઇ હતી. તે તૈયાર થઇ ગઇ હતી એટલે રૂમનું બારણું ખોલવા તેણે બારણા પર જરાક જાર લગાવ્યું. પરંતુ આ શું ? સામેથી બીજું કોઇ આ બારણું ખોલવા પ્રયાસ કરતું હોય તેમ લાગ્યું. અલબત કે કોઇ બહારથી બારણાને ધક્કો મારતું હોય તેવું લાવ્યું. બારણું ખૂલ્યું તો સાચે જ સાવ નજીક દામજીને ઊભેલો જાયો.
“નમસ્તે…” દામજીએ બે હાથ જાડી જ્યોતિને નમસ્તે કર્યા.
“નમસ્તે….” જ્યોતિ પણ બોલી.
“તું તૈયાર થઇ ગઇ….”
“હાસ્તો વળી…”
“સારૂં…. સારૂં, સાંભળ: એક વાત કહુ ?”
“એમાં પૂછવાનું હોય… ?
“વહેલી સવારે સાડા – પાંચ વાગે હું તારા રૂમમાં આવ્યો હતો…”
“હે…, મારા આ રૂમમાં ?”
“હા, પણ એ તો પૂછ કે હું શું કામ આવ્યો હતો ?”
“શું કામ ?”
“ આ રૂમમાં મારી ડાયરી રહી ગયેલી. કાલની દૈનિક ક્રિયા લખવાનું રહી ગયું છે. રોજ રોજ હું તેમાં લખું છું, આ મારો નિયમ છે.”
“પછી શુ થયું…?”
“ પછી શું થાય…, ધીમેથી તારા રૂમનું બારણું મે ખોલ્યું. તારી ઊંઘમાં ખલેલ ન પહોંચે એમ આસ્તેથી હું દાખલ થયો. નાઇટ લેમ્પના ઝાંખા પ્રકાશમાં ટેબલ પાસે પહોંચ્યો પરંતુ ટેબલ પર મને ડાયરી જાવા ન મળી. થોડીવાર વિચાર કર્યો કે ડાયરી ક્યાં મૂકી હશે ? પરંતુ તરત જ મારી નજર પલગ પર પડી. તું તો ઘસઘસાટ ઊંઘતી હતી ને મારી ડાયરી તારી છાતી પર એયને આરામ કરતી હતી. હવે એ ડાયરી મારે લેવી કેમ ?”
“એમાં શું થયું ? જરૂર હોય તો ડાયરી લઈ લેવાય…”
“કેમ કરી લઇ લઉં ? એક તો એ ડાયરી તારી છાતી પર હતી. વળી તેને તારા હાથ વડે પકડેલી પણ હતી…! બસ, પછી ચુપચાપ હું ધીમેથી રૂમમાંથી બહાર નીકળી મો‹નગ વોક કરવા ચાલી નીકળ્યો…”
“સોરી…, સોરી દામલ ! સવારે આઠ વાગે ઊઠીને તારી ડાયરી જ્યાં હતી ત્યાં મે મૂકી દીધી છે ટેબલ પર… ફરી એકવાર તારી માફી માગું છું. મને ખબર હોવા છતાં, જાણતી હોવા છતાં પણ મેં તારી ડાયરી ખોલી અને થોડું લખાણ વાંચ્યું પણ છે… ! આમ તો કોઇની અંગત ડાયરી ખોલવી અને ખોલીને પછી વાંચવું એ મોટો અપરાધ છે. હું અક્ષમ્ય ગણાઉ પરંતુ રાતના ઊંઘ ન આવવાથી અને બીજા વિચારો ન આવે એટલા માટે ડાયરી ખોલીને વાંચવાનો અપરાધ હું કરી બેઠી છું…”
“અરે…, આને અપરાધ કહેવાય ? ના…ના, જ્યોતિ…એમાં શું થયું ? ડાયરી ભલે મારી રહી એ ડાયરીમાં મારૂં અંગત કે ખાનગી જેવું કશું જ નથી… મને તો જે ગમે, જે સારૂં લાગે, જીવનમાં ક્યારેક કામ આવે તેવું લખાણ લખું છું. હા, એમાં બધા જ વિચારો મારા તો નથી જ. કોઇ કવિ કે સંત કે પછી મહાન લેખકોનાં વાક્યો એકઠાં કરી હું નોંધ કરતો રહું છું. વાંચનનો ને લેખનનો મને ખૂબ શોખ છે. પણ હા, આ ડાયરીમાં ક્યાંય અશ્લીલ કે અભદ્ર ભાષા તો નહીં જ હોય અને આમાં ખાનગી પણ કંઇ જ નથી..”
“ આખી ડાયરી નહીં, પણ થોડાં પાનાં મેં વિચારીને નિરાંતે વાંચ્યા છે. આવું સચોટ લખાણ આજ સુધી મેં કયાંય વાંચ્યું નથી. અને દામલ…., એક વાત કહું ?”
“બોલ…”
“તારા હસ્તાક્ષર મતલબ કે તારા અક્ષરો ને તેના વળાંક મને એટલા બધા ગમ્યા કે ન પૂછ વાત…”
“સાવ સાચું બોલે છે કે પછી… મારા વખાણ કરે છે.”
“ના, તારા વખાણ હું ક્યાં કરૂં છું. આ તો તારા મોતી જેવા અક્ષરના જ હું વખાણ કરૂં છું…”
આમ મજાકના મૂડમાં વાર્તાલાપ ચાલતો હતો ત્યાં તો બા… સાવ નજીક પહોંચ્યા ત્યારે જ ખબર પડી કે.., ત્યાં તો બા બોલ્યાં: “ તમે બેઉં હવે વાતો પછી કરજા, પહેલાં ચા – દૂધ – ભાખરીનો નાસ્તો કરી લો. બધું જ મેં તૈયાર રાખ્યું છે. ચાલો…” આમ કહી બા તો રસોડા તરફ ચાલતાં થયાં.
ચાની કીટલી, પ્યાલામાં દૂધ અને થાળીમાં ભાત ઉપજાવતી કડક ભાખરી આ બધું ટેબલ પર વ્યવસ્થિત રીતે રાખેલું હતું. રસોડામાં દાખલ થતાં આવું જાઇ જ્યોતિ થોડી ભોંઠી પડી. કારણ કે એક સ્ત્ર બીજી સ્ત્રના કામની નોંધ જરૂર લેતી જ હોય છે અને નિયમ અનુસાર જ્યોતિ વિચારતી હતી કે, બા…કેટલાં વહેલાં ઉઠતાં હશે ?
ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઇને બધાં સવારનાં નાસ્તો કરવા લાગ્યાં. નાસ્તાને ન્યાય આપ્યા પછી દામજી ઊભો થયો.
રસોડામાંથી બહાર નીકળી સીધો જ જ્યોતિના રૂમ તરફ ચાલ્યો…રૂમમાં દાખલ થઇ, ટેબલ પરથી ડાયરી લઇ તે સીધો તેના રૂમ તરફ ચાલ્યો. ત્યારે બા અને જ્યોતિ હજી એમ જ ખુરશી પર બેઠાં હતાં.
પાંચેક મિનિટ પછી પોતાના રૂમમાંથી બહાર નીકળી દામજીએ રસોડા તરફ નજર કરતા મોટા અવાજે કહ્યું ઃ “બા…, હું ગામમાં આંટો મારવા જાઉં છું…” એટલું બોલી દામજી ચાલ્યો ગયો.
દામજી જેવો ડેલી બહાર ગયો કે તરત જ જ્યોતિએ બા સામે જાઇ પૂછયું:
“અત્યારમાં દામલ ક્યાં જાય બા…”
“ડેલી બહાર નીકળી પહેલાં તો તે પાનના ગલ્લે પહોંચે. ત્યાં બે – ચાર મિત્રો સાથે થોડીવાર વાતો કરે. પછી સીધો લાઇબ્રેરીએ પહોંચે. ત્યાં છાપા વાંચે, નવા – જૂના સમાચાર વાંચે કહેવા જેવા સમાચાર હોય તે ઘરે આવીને મને પણ કહે…! પછી ઘરે આવે ત્યાં તો તેને શાળાએ જવાનો સમય થઇ જાય બસ, રોજનો તેનો આ … નિયમ.” બાએ બધી વાત થોડામાં ઘણી કહી દીધી.
“બા…” વળી જ્યોતિએ બાને પૂછયું ઃ “તમે કેટલા વાગે ઊઠો ? ”
“પાંચ સવા પાંચે…” બાએ જવાબ આપ્યો.
“આટલા બધા વહેલા ઉઠો ?”
(ક્રમશઃ)