ગુજરાત પર ડ્રગ્સનો ખતરો તોળાઈ રહ્યો છે.

ગુજરાતમાંથી લગભગ બે મહિના પહેલાં એટલે કે 13 સપ્ટેમ્બરે હેરોઈનનાં બે કન્ટેનર પકડાયાં ત્યારે જ આ ચેતવણી અપાવા માંડી હતી. મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલાં આ બે બે કન્ટેનરમાં લગભગ ત્રણ હજાર કિલો ડ્રગ્સની હોવાની વાતો એ વખતે વહેતી થયેલી. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 21 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાતું હતું. મુંદ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનના કંદહારથી આ ડ્રગ્સ લવાયેલું. અફઘાનિસ્તાનની હસન હુસેન લિમિટેડે આ ડ્રગ્સ આંધ્ર પ્રદેશના વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીના ઓર્ડરના આધારે આ ડ્રગ્સ મોકલેલું. ટેલ્કમ સ્ટોનની આયાતના નામે આ ડ્રગ્સ ભારતમાં ઘૂસાડાયેલું. મચવરમ સુધાકરણ અને તેની પત્નિ  દુર્ગા વૈશાલીની માલિકીની આશિ ટ્રેડિંગ કંપનીએ આ ડ્રગ્સ કેમ મંગાવેલું તેની તપાસ એનઆઈએ કરી રહી છે.

મુંદ્રા ડ્રગ્સ કાંડ બહુ મોટું હતું પણ કમનસીબે આ ઘટનાને ગંભીરતાથી ના લેવાઈ.

હવે સૌરાષ્ટ્રમાંથી લગભગ સો કિલોથી વધારે ડ્રગ્સ પકડાતાં સૌ દોડતા થઈ ગયા છે. બુધવારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકથી ઝડપાયેલા આ 66 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ રૂપિયા 350 કરોડની આસપાસ થાય છે. આ ડ્રગ્સ વાડીનાર અને સલાયા એમ બે સ્થળેથી ઝડપાયું છે. વાડીનારમા ડ્રગ્સ ઉતર્યું હોવાની ખબર પડતાં પોલીસે દરોડો પાડીને 48 કિલ ડ્રગ્સ ઝડપેલું. આ ડ્રગ્સ સાથે ઝડપાયેલા પેડલરે પોલીસને સલાયામાં પણ ડ્રગ્સ ઉતર્યું હોવાની માહિતી આપતાં પોલીસ સલાયા પહોંચી તો  18 કિલો ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે એ પછી તપાસ ચાલુ રાખી તો બીજું 46 કિલો ડ્રગ્સ મળી આવતાં બધું મળીને 112 કિલો ડ્રગ્સ પકડાયું છે.

ગુજરાત શાંતિપૂર્ણ રાજ્ય છે ને અત્યાર લગી ગુજરાતમાં ડ્રગ્સનો ફેલાવો થયો હોવાના અણસાર નહોતા પણ પહેલાં મુંદ્રા ને પછી દ્વારકા-સલાયાની ઘટનાઓએ સૌને ચોંકાવી દીધા છે. યોગાનુયોગ દ્વારકા-સલાયામાંથી ડ્રગ્સ મળ્યું એ જ દિવસે અમદાવાદ અને સુરતમાંથી પણ ડ્રગ્સ પેડલર પકડાયા. એક જ દિવસમાં ડ્રગ્સ પકડાવાની આ ઘટનાઓ પરથી સ્પષ્ટ છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર જોરદાર ધમધમે છે. ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક બરાબર ફેલાયેલું છે.

આ ઘટનાઓ ગુજરાત માટે ચેતવણીના ઘંટ સમાન છે કેમ કે ડ્રગ્સનું દૂષણ સૌથી ખતરનાક છે. ડ્રગ્સ પેઢીઓની પેઢીઓને બરબાદ કરી નાંખે છે ને જે સમાજમાં આ દૂષણ પેસે એ સમાજ કદી બેઠો થઈ શકતો નથી.

ગુજરાતે આ દૂષણ વ્યાપક બને એ પહેલાં જાગવું જોઈએ.

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ડ્રગ્સ કાંડને રાજકીય રંગ આપવા પ્રયાસ કર્યો છે. ભાજપના નેતા તેનો જવાબ આપવામાં પડ્યા છે. તેમાં કશું ખોટું નથી પણ આ મુદ્દે રાજકીય દાવપેચમાં ખૂંપવાના બદલે ગુજરાતની ભાજપ સરકારે ડ્રગ્સ સામે ઝુંબેશ ચલાવવી જોઈએ કેમ કે આ મુદ્દો ગુજરાતના ભાવિને લગતો છે.

////////////////////////////////////////

ગુજરાતે પંજાબ પાસેથી બોધપાઠ લેવો જોઈએ.

પંજાબમાં છેલ્લા એકાદ દાયકાથી ડ્રગ્સની સમસ્યા બહુ ગંભીર છે. ડ્રગ્સના દૂષણને કઈ રીતે નાથવું તેની લાંબા સમયથી ચર્ચા ચાલ્યા કરે છે પણ કોઈ ઉકેલ આવતો નથી. પંજાબમાં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે ને આ ચૂંટણીમાં ડ્રગ્સનું દૂષણ પણ એક મુદ્દો છે.  કેપ્ટન અમરિન્દરસિંહ દાવો કરતા કે, પોતે પંજાબમાં ડ્રગ્સના દૂષણને નાથી દીધું છે. જો કે આ વરસના જુલાઈ મહિનામાં સુખવિંદર સિંહ નામનો આઠમા ધોરણમાં ભણતો 14 વર્ષનો વિદ્યાર્થી ડ્રગ્સના ઓવરડોઝના કારણે મરી ગયો પછી કેપ્ટનના દાવા પોકળ છે એવા આક્ષેપોનો મારો શરૂ થયો ને રાજકીય રીતે આ મુદ્દો ગરમ છે. કોરોનાના કારણે લોકડાઉ લદાયું ત્યારે ડ્રગ્સ મળતું બંધ થઈ ગયેલું. એ વખતે ડ્રગ્સના બંધાણી યુવાનો નશો કરવા ના મળતાં નશામુક્તિ કેન્દ્રોનો સંપર્ક કરતા. આ યુવાનોની સંખ્યા લાખોમાં હતી ને તેના પરથી જ પંજાબમાં ડ્રગ્સનો ભરડો કેવો છે તેની ખબર પડે.

પંજાબમાં 2017માં એટલે કે પાંચ વર્ષ પહેલાં થયેલી ચૂંટણી વખતે પણ યુવાનો ડ્રગ્સના બંધાણી બની ગયા એ મુદ્દો ચગેલો. કોંગ્રેસે આ મુદ્દાને બગુ ચગાવ્યો હતો ને  એ વખતની પંજાબની અકાલી દળ-ભાજપની સરકારે પણ આ વાત કબૂલી હતી. તેના કારણે કોંગ્રેસને ફાયદો થયેલો. કેપ્ટને સત્તામાં આવ્યા પછી ડ્રગ્સના દૂષણને નાથવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી હતી. પંજાબમાં ઠેર ઠેર ડી-એડિક્શન સેન્ટર્સ એટલે કે નશામુક્તિ કેન્દ્રો બનાવાયેલાં. પંજાબમાં અત્યારે સાડા ત્રણસો જેટલાં સરકારી ને ખાનદી નશામુક્તિ કેન્દ્રો છે. છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ સાડા પાંચ લાખ લોકો આ કેન્દ્રોમાં સારવાર લઈ ચૂક્યા છે. પંજાબની વસતી 2.80 કરોડ છે ને તેમાંથી બે ટકા લોકો સારવાર લે એ વાત મોટી કહેવાય.

પંજાબમાં ડ્રગ્સનો ભરડો મજબૂત છે તેની વાતો લાંબા સમયથી ચાલતી હતી પણ પંજાબમાં 2014માં થયેલા સર્વેમા પહેલી વાર આ વાત બહાર આવેલી. આ સર્વેનાં તારણો પ્રમાણે પંજાબમાં 2.30 લાખ યુવકો ડ્રગ્સના બંધાણી હોવાનું બહાર આવેલું.  એ પછી અલગ અલગ સર્વે થયા ને તેમાંથી કેટલાક સર્વેમાં તો એવો દાવો કરાયેલો કે, પંજાબમાં 60 ટકા યુવકો ડ્રગ્સ લે છે.

આ સર્વે સત્તાવાર નહોતા પણ સત્તાવાર આંકડા પણ પંજાબમાં ડ્રગ્સનો ભરડો હોવાનું સ્વીકારતા હતા.

ભારત સરકારના સામાજિક અધિકારીતા મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં દર લાખે 250 લોકો ડ્રગ્સના બંધાણી હતા જ્યારે પંજાબમાં આ પ્રમાણ 883 લોકોનું હતું. મતલબ કે, પંજાબમાં ડ્રગ્સના બંધાણીઓનું પ્રમાણ દેશની સરેરાશ કરતાં ત્રણ ગણા કરતાં પણ વધારે હતું.  આ આંકડા પછી દેશમાં પંજાબ એક માત્ર એવું રાજ્ય બન્યું  કે જ્યાં ડ્રગ્સની અસરો તથા તેમાંથી યુવાનોને કઈ રીતે બચાવવા તેનો કાર્યક્રમ ઘડવા માટે સરકારે એક પંચ બનાવવું પડ્યું.

////////////////////////////////////////

પંજાબમાં આ દૂષણ કઈ રીતે ફેલાયું  ?

પંજાબમાં ડ્રગ્સનું દૂષણ આ હદે ફેલાયું તેનું કારણ એ છે કે, પંજાબ પાકિસ્તાન સાથે જમીન સરહદેથી જોડાયેલું છે. પાકિસ્તાનની સરહદે આવેલા અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં અફીણ પાકે છે. આ અફીણ પાકિસ્તાનમાં આવે ને પાકિસ્તાનથી પંજાબના સરહદી જિલ્લાઓમાં ઠલવાય છે. પંજાબમાં સરહદી જિલ્લાઓમાં આ અફીણમાંથી જાતજાતનાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ ધમધમે છે. આ ડ્રગ્સ પછી પંજાબના યુવાનોને પધરાવી દેવાય છે.

પંજાબ દેશનું સૌથી સમૃધ્ધ રાજય છે ને ત્યાં પૈસાની રેલમછેલ છે. પૈસો વધારે હોય ત્યાં દૂષણો પેંધી જ જતાં હોય છે એ સનાતન સત્ય છે. પંજાબમાં પણ એવું જ થયું છે ને તેના કારણે પંજાબ ડ્રગ્સની પકડમાં આવી ગયું. પંજાબમાં તકલીફ એ પણ થઈ કે, સિંગર્સ અને ફિલ્મ સ્ટાર્સે ડ્રગ્સના દૂષણને આડકતરી રીતે પોષ્યું છે. પંજાબી ગીતોમાં પાર્ટી કરવાની, દારૂ પીવાની, જલસા કરવાની ને એવી બધી વાતો જ હોય છે તેથી યુવાનો એ રવાડે ચડ્યા. યો યો હની સિંહ સહિતના પોપ સ્ટાર્સ પોતે ડ્રગ્સના બંધાણી બન્યા છે ને તેમણે આ કલ્ચરને પોષ્યું છે. પાર્ટી હોય ત્યાં દૂષણો આવે જ તેથી પંજાબમાં ડ્રગ્સનું દૂષણ પેષી ગયું.

ગુજરાત પર પણ આ ખતરો છે.

ગુજરાત પણ પંજાબની જેમ સરહદી રાજ્ય છે. પંજાબ માત્ર જમીન સરહદથી જોડાયેલું છે જ્યારે ગુજરાત તો જમીન અને  સમુદ્ર બંને સરહદે પાકિસ્તાન સાથે જોડાયેલું છે. ગુજરાત પાસે દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો છે અને આ દરિયાકિનારાનો ઉપયોગ ડ્રગ્સ લાવવા થઈ શકે છે.  પાકિસ્તાન આ દરિયાકિનારાનો ઉપયોગ ભારતમાં અરાજકતા ફેલાવવા અને પોતાના બદઈરાદાને પાર પાડવા કર્યા જ કરે છે. ભૂતકાળમાં આ દરિયાઈ માર્ગેથી આરડીએક્સ સહિતનાં વિસ્ફોટકો અને શસ્ત્રો ઘૂસાડીને ભારતમાં મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ અપાયો જ છે. હવે પાકિસ્તાન ડ્રગ્સ ઘૂસાડવા આ રસ્તાનો ઉપયોગ કરી જ શકે.

ગુજરાતે એ રીતે પણ ચેતવું પડે કે, હવે  અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા છે.  તાલિબાન વિશ્વમાં ડ્રગ્સના સૌથી મોટા વેપારી છે. તાલિબાન સત્તાવાર રીતે જ અફઘાનિસ્તાનમાં ડ્રગ્સ માટેનો કાચો માલ ખેતરોમાં ઉગાડે છે. તાલિબાન માટે ડ્રગ્સ કમાણીનું મોટું સાધન છે ને ભારત બહુ મોટો દેશ છે તેથી તાલિબન ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા મથે જ.

////////////////////////////////////////

ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે એ પણ ખતરો છે.

પાકિસ્તાનથી આવતું ડ્રગ્સ પંજાબમાં સ્થાનિક ફેક્ટરીઓમાં પ્રોસેસ થાય છે. ગુજરાતમાં પણ એ પ્રકારની ઘટનાઓ પકડાઈ જ છે. કોંગ્રેસ ને ભાજપ બંનેમાં રહી ચૂકેલા ઉત્તર ગુજરાતના નેતા ને ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો દીકરો આ ધંધો કરતાં પકડાયેલો જ છે. ભરૂચ પાસેની ફેક્ટરીમાં રાઠોડ એ ગોરખધંધો ચલાવતો હતો તેથી પંજાબ જેવું ગુજરાતમાં પણ બની શકે. ગુજરાતમાં તો મોટી સંખ્યામાં નાની નાની ફાર્મા ફેક્ટરીઓ છે એ જોતાં ગુજરાતમાં બહારથી આવતા ડ્રગ્સને પ્રોસેસ કરવાનું સરળ બને. આ પ્રોસેસ કરેલા ડ્રગ્સમાંથી થોડું ઘણું પણ ગુજરાતમાં વેચાય જ  એ જોતાં આપણ જાગવું જ પડે.

ડ્રગ્સનું દૂષણ ગુજરાતવ્યાપી બને એ પહેલાં તેને ડામવું જરૂરી છે. ગુજરાત સરકારે બધી વાતોને બાજુ પર મૂકીને તેને માટે અભિયાન છેડવું જોઈએ.

પંજાબની જેમ આપણા રાજ્યને ‘ઉડતા ગુજરાત’ ના બનવા દેવાય.