બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વર્ચ્યુઅલ રીતે મળ્યા હતા. આ બેઠકમાં ચીન, રશિયા, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાએ આતંકવાદ અને સુરક્ષા મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રશિયાએ અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા.
રશિયન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવે જણાવ્યું છે કે, અમેરિકાએ પોતે જ અલ-કાયદા અને તાલિબાન જેવી આતંકવાદી ચળવળો બનાવી છે અને હજુ પણ ભૌગોલિક રાજકીય હેતુઓ માટે બંને જૂથોનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યું છે, રશિયન રાજ્ય સમાચાર એજન્સી તાસના અહેવાલમાં જણાવાયું છે. તેમણે પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે આતંકવાદ તેમના માટે વર્ણસંકર યુદ્ધમાં એક સાધન સમાન છે.
પેત્રુશેવે કહ્યું કે રશિયા આતંકવાદનો સામનો કરવા માટે જરૂરી પ્રયાસો ચાલુ રાખી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ વિરોધી મોરચો રજૂ કર્યા વિના આતંકવાદનો સામનો કરવો અસરકારક બની શકે નહીં. અમે પહેલાની જેમ આતંકવાદ વિરોધી ટ્રેક પર સહકાર આપવા તૈયાર છીએ.
પેત્રુશેવે ચેતવણી આપી હતી કે, ઈરાક અને સીરિયામાં આતંકવાદી સંગઠનો હવે તેમની મૂળ તાકાત ગુમાવી ચૂક્યા છે.
આવી સ્થિતિમાં તેઓ વ્યૂહરચના બદલી રહ્યા છે અને નવા ક્ષેત્રોમાં પ્રવૃત્તિ વિસ્તારી રહ્યા છે. યુવાનોનો એક વર્ગ તેની તરફ આકર્ષાઈ રહ્યો છે. ડ્રગ, શસ્તરો, માનવ અંગોની દાણચોરી સહિત અન્ય દાણચોરીમાં આતંકવાદ ફૂલીફાલી રહ્યો છે.