અમરેલીના નાના ભંડારીયા ગામે કુંકાવાવ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર પરપ્રાંતિય પતિ-પત્ની તથા બાળકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આજે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. સામેથી આવી રહેલ ટ્રક પલટી મારી જતા ટ્રકમાં સવાર ૩ લોકોને ઇજા પહોંચતા ૧૦૮ મારફત અમરેલી સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.
જાણવા મળતી માહિતી મુજબ, બાઇક અમરેલીથી કુંકાવાવ તરફ જઇ રહી હતી. જ્યારે ટ્રક સામેથી આવી રહ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો પરિવાર લીમશીંગ પેસવાભાઇ અજનારીયા (ઉ.વ.૩૮), ફેન્દાબેન અજનારીયા તથા કમલેશ અજનારીયા (ઉ.વ.૧.પ) કુંકાવાવમાં વાડીએ રહેતા હતા. લીમશીંગભાઇ અજનારીયા પોતાના વતન જવાના હતા અને આજે બાઇક લઇ અમરેલી ખાતે ખરીદી કરવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ ટ્રક સાથે અકસ્માત સર્જાતા પતિ-પત્ની તથા બાળકનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જ્યારે ટ્રક બેકાબુ બનતા પલટી મારી જતા ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા ૧૦૮ ટીમ તાબડતોબ ૧૦ મિનિટ જેવા ટૂંકા ગાળામાં ઘટના સ્થળે પહોંચી હતી અને ૧૦૮ના પાયલોટ દિનેશ ચૌહાણ તથા ઇએમટી લાલજી વેગડે ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે ટ્રક રોડની સાઇડમાં ઘુસી ગયો હતો. બનાવને પગલે ડીવાયએસપી સહિત પોલીસ ટીમ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.